- ખોડુ મહિલા સરપંચના પતિ અને રૂપાવટીના સરપંચના ભાઈને ધમકી આપી
- બુટલેગર વિરુદ્ધ દારૂ ઉપરાંત હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે
- પોલીસ દ્વારા અનેક દરોડા કરવા છતાં દેશી દારૂની બદી દુર થતી નથી
વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા બુટલેગરે ગામના સરપંચના ભાઈ અને ખોડુ મહિલા સરપંચના પતિને દેશી દારૂ બાબતે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની અલગ-અલગ ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાતા ચકચાર ફેલાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં દેશી દારૂએ માઝા મુકી છે. પોલીસ દ્વારા અનેક દરોડા કરવા છતાં દેશી દારૂની બદી દુર થતી નથી. ગામના સરપંચ સહિતના આગેવાનો પણ ગામમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેપારથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે આગેવાનો દ્વારા દારૂ અંગે કરાતી રજુઆતો તેમને ભારે પડી છે. અને બુટલેગરે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. બનાવની વધુમાં મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા સીધ્ધરાજસીંહ ચંદુભા ખેર અને રૂપાવટીના યુવરાજસીંહ સુખદેવસીંહ ઝાલાએ જોરાવરનગર પોલીસ મથકે અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે. જેમાં રૂપાવટી ગામના ભુપત દેવુભાઈ મારૂણીયાએ બન્નેને ફોન કરી દારૂ આજેય બંધ નહીં થાય ને કાલેય બંધ નહીં થાય, તારે એસપીને કહેવુ હોય તો કહી દેજે. દારૂ બંધ નહી થાય તેમ કહી બન્નેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.










