- ટી-20 વર્લ્ડકપની ભારત-અફઘાનિસ્તાનની મેચ પર સટ્ટો રમતા હતા
- એલસીબી ટીમે રૂ.11.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
- ટી-20 વર્લ્ડ કપની મેચો સુપર-8 તબક્કામાં પહોંચતા દર્શકોનો રોમાંચ વધ્યો છે
સુરેન્દ્રનગર એલસીબી ટીમને ધ્રાંગધ્રા શહેરની પાન પરાગ વાડી પાસે કારમાં ક્રિકેટના સટ્ટાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મોરબીના ર શખ્સો લેપટોપ, કાર, રોકડ અને મોબાઈલ સહિત રૂ. 11,32,470ની મત્તા સાથે પકડાયા છે.
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપની મેચો સુપર-8 તબક્કામાં પહોંચતા દર્શકોનો રોમાંચ વધ્યો છે. ત્યારે સટોડિયાઓ પણ સક્રીય થયા છે. આ દરમિયાન એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પી.એન.ઝાલા, દશરથભાઈ સહિતનાઓ ધ્રાંગધ્રા શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એલસીબી ટીમ ધ્રાંગધ્રા સબ જેલ પાસે પહોંચતા દિલ્હી દરવાજા પાસે પાન પરાગ વાડી નજીક કારમાં સટ્ટાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં મોરબીના જુના બસ સ્ટેશન પાસે રહેતો તોફીક હુસેનભાઈ પીલુડીયા અને દરીયાલાલ શેરીમાં રહેતો ઈબ્રાહીમ આદમભાઈ કાસમણી ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચેની મેચમાં હારજીતનો સટ્ટો રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 19,706 મોબાઈલ ફોન, લેપટોપ, અર્ટીકા કાર, રાઉટર સહિત રૂ. 11,32,470ની મત્તા જપ્ત કરાઈ હતી. આ શખ્સોની પુછપરછમાં તેઓ મોરબીના અતીક, કાદર, હનીફ, મુસ્તાક સાથે સટ્ટો રમતા હોવાનું ખુલતા તમામ સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.










