વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં વર્ષ 1990થી કારડીયા રાજપુત સમાજના યુવાનો દ્વારા દર વર્ષે ઉનાળામાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. જેમાં ગત તા. 28મી એપ્રીલથી તા. 12મી મે દરમિયાન ટુર્નામેન્ટ યોજાનાર છે. આ ટુર્નામેન્ટના પ્રારંભે કારડીયા રાજપુત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ નજીક આવેલ ખજુરીવાળી મેલડી માતાજીનું મંદિર ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. દર વર્ષે વઢવાણના કારડીયા રાજપુત સમાજના યુવાનો દ્વારા ઉનાળામાં મંદીરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. વર્ષ 1990થી સતત યોજાતી આ ટુર્નામેન્ટનું આ વર્ષે તા. 28મી એપ્રીલથી 12મી મે દરમિયાન આયોજન કરાયુ છે. ટુર્નામેન્ટમાં વઢવાણ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 64 ટીમ ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા. 12મી મેના રોજ યોજાશે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 28મીએ રાત્રે વઢવાણ સ્વામીનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજીના હસ્તે કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કારડીયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર-વઢવાણ જોડીયા શહેરોમાં આ ટુર્નામેન્ટ ખુબ લોકપ્રીય છે. રાતના સમયે મેચ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેદાને ઉમટી પડે છે. આ ટુર્નામેન્ટની લીગ મેચો 10 ઓવર, સેમી ફાઈનલ 12 ઓવરની અને ફાઈનલ મેચ 14 ઓવરની રહેશે. ફાઈનલમાં વિજેતા ટીમને રૂપિયા 50 હજાર અને રનર્સ અપ ટીમને રૂપિયા 25 હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ રોકડ પુરસ્કાર વિજેતા અને હરીફ ટીમ મંદિરમાં દાન તરીકે અર્પણ કરી દેતા હોય છે. ટુર્નામેન્ટના ઉદ્દઘાટન પૂર્વે પહલગામના મૃતકોને બે મીનીટનું મૌન પાળી શ્રાધ્ધાંજલી અપાઈ હતી. અને રાષ્ટ્રગાન સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ હતી. દરરોજ રાત્રે 4 મેચ રમાશે. ટુર્નામેન્ટમાં કેટલાક નામાંકીત ખેલાડીઓ પણ હાજરી આપનાર છે.










