ધ્રાંગધ્રામાં પોલીસે ગત ફેબ્રુઆરીમાં દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. જેમાં દારૂ મંગાવનાર અને ચાલક બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે 11 માસથી ફરાર આ કેસનો આરોપી ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમે ઝડપી લીધો છે.


ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડને તા. 18-2-24ના રોજ ધ્રાંગધ્રામાં રહેતો રવી જગદીશભાઈ ચૌહાણ પોતાની કારમાં ડ્રાઈવર ઉત્તમ છગનલાલ પુરોહીત મારફત દારૂનો જથ્થો મંગાવી રહ્યો હોવાની તથા હાલ ઉત્તમ કાર લઈને ધ્રાંગધ્રાના આંબેડકરનગર હોલ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે આંબેડકરનગર હોલ પાસે આડશ મુકી વોચ રાખી હતી. જેમાં દારૂ ભરેલી કાર લઈને આવતા ઉત્તમ પુરોહીતને પોલીસ નજરે પડતા તેણે કાર કાવુ મારીને ધ્રાંગધ્રા સીટી તરફ મારી મુકી હતી અને રામજીમંદીર વાળી શેરીમાં કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી દારૂની 57 બોટલો જપ્ત કરી હતી. અને દારૂ તથા કાર સહિત રૂપીયા 3,48,450નો મુદ્દામાલ પકડી પાડી બન્ને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલ સ્ટાફના બી.જે.સોલંકી, સરફરાઝભાઈ સહિતનાઓને આ કેસનો ફરાર આરોપી ઉત્તમ નરશીપરા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. અને મુળ રાજસ્થાનના 30 વર્ષીય ઉતમારામ ઉર્ફે ઉત્તમ છગનારામ પુરોહીતને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સને કોર્ટ સમક્ષ રજુ કરી વધુ કાર્યવાહી પોલીસે કરી હતી.


  • Follow us on: