ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે દુકાનના ઉદ્ઘાટનમાં આમંત્રણ નહી આપવા બાબતને લઇ થયેલા ઝગડાએ રૌદ્ર રૂપ ધારણ કરી લેતા દુકાનમાં તોડફોડ, મારામારી, ફાયરીંગની ઘટના બાદ ધ્રાંગધ્રા એપીએમસીના ચેરમેન ઉપર પણ હુમલો થતા ગંભીર ઇજા થયા બાદ સામસામે બંને પક્ષના કુલ 16 શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત બંને જુથ વચ્ચેના ઝઘડા બાદ ગામમાં તંગદિલી પ્રસરતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.
ધ્રાંગધ્રાના કોંઢ ગામે ખેતીને લગતી વસ્તુઓની રીધ્ધી સીધ્ધી ખેડૂત મોલનું ગત તા. 17મી મેના રોજ ઉદ્ઘાટન હતુ. જેમાં ધ્રાંગધ્રા એ.પી.એમ.સી.ના ચેરમેન અને કોંઢ ગામના વતની કનકસિંહ ઝાલા એમના પત્ની પણ તાલુકા પંચાયતના સદસ્ય છે. તેઓ રાજકીય નેતા અને કોંઢના જ વતની હોઇ એમના મીત્રના ભાઇની દુકાનેથી ખરીદી કરતા હોવા છતાંય નિમંત્રણ નહી અપાતા ચેરમેન રોષે ભરાયા હતા. તેમજ કારમાં જઇ હાથમાં બંધુક લઇ મીત્રો સાથે મોલમાં જઇ નિમંત્રણ બાબતે ઝઘડો કરી મોલમાં મારામારી કરી તોડફોડ કરી 50 હજારનું નુકશાન કરી ફાયરીંગ કર્યા હતા. બીજી તરફ ચેરમેને ત્યાં જઇ આમંત્રણ કેમ ના આપ્યુ જણાવતા સામાવાળા ઉશ્કેરાઇ જઇ નવ જેટલા શખ્સો એકઠા થઇ ધારીયા, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા લઇ ચેરમેન અને એમના મિત્રોને માર મારવા લાગ્યા હતા. જે હુમલા દરમ્યાન ચેરમેન કનકસિંહ ઝાલાને માથાના ભાગે ધારિયા વડે હુમલો કરાતા ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ બંને પક્ષે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે 16 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કોંઢ ગામના બનાવમાં એપીએમસી ચેરમેન કનકસિંહ ઝાલાએ કરણભાઇ નારસંગભાઇ પઢીયાર,નારસંગભાઇ રૂપાભાઇ પઢીયાર,ભાવેશભાઇ ધનાભાઇ પઢીયાર રહે. કોંઢ, મહોબતભાઇ રૂપાભાઇ ટાંક, હર્ષદભાઇ ટાંક અને ભવાનભાઇ ભાણો ત્રણેય રહે. કલ્યાણપુર સાથે ત્રણ અજાણ્યા શખ્સો સહિત કુલ 9 સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડૂત મોલવાળાએ ચેરમેન કનકસિંહ ભુપતસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા, શકિતસિંહ લખુભા ઝાલા અને 3 અજાણ્યા શખ્સો સહિત કુલ છ શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










