- ઝાલાવાડના 1,85,608 બાળકોને દો બુંદ જિંદગી કી અપાઈ
- રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અંતરિયાળ વિસ્તારોમાં જઈ આરોગ્ય કર્મીએ પોલિયોની રસી પીવડાવી
- બાળકોને હાઉસ-ટુ-હાઉસ જઈ આરોગ્ય કર્મીઓ પોલીયોની રસી આપશે
સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર દેશ સાથે તા. 23 જુનના રોજથી પોલીયો રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યુ છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 0 થી પ વર્ષના 2,16,016 બાળકોને દો બુંદ જીંદગી કી આપવામાં આવનાર છે.
જેમાં 1,85,608 બાળકોને પોલીયોની રસીના 2 ટીપા અપાયા છે. આમ, લક્ષ્યાંક સામે 86 ટકા કામગીરી થઈ છે. તા. 24 અને 25ના રોજ બાકી રહી ગયેલા બાળકોને હાઉસ-ટુ-હાઉસ જઈ આરોગ્ય કર્મીઓ પોલીયોની રસી આપશે.
સરકારના પોલીયો નાબુદીના પ્રયાસોને લઈને દેશભરમાંથી પોલીયો લગભગ નાબુદ થઈ ગયો છે. તેમ છતાં પોલીયો ફરી ઉથલો ન મારે તે માટે સરકાર દ્વારા વર્ષમાં ર વાર પોલીયો રવીવાર ઉજવવામાં આવે છે. જેમાં 0 થી પ વર્ષના દરેક બાળકોને દો બુંદ જીંદગી કી રૂપે પોલીયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. 23 જુનને રવીવારથી ત્રી-દિવસીય પોલીયો રસીકરણ અભીયાન શરૂ કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી ડો. બી.જી.ગોહીલના જણાવાયા મુજબ જિલ્લાના 2,16,016 બાળકોનું પોલીયો રસીકરણ કરવા અભીયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેના માટે 858 બુથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અંતરીયાળ વિસ્તારો સહીતના સ્થળોએ પણ પોલીયોની રસી આપવા આરોગ્ય કર્મીઓ તૈનાત રહ્યા હતા. પોલીયો અભીયાન અંતર્ગત ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધીકારી રાજેશ તન્ના, પાલીકાના કારોબારી ચેરમેન જીતેન્દ્રસીંહ ચાવડા, ટીએચઓ ડો. હરીત પાદરીયા, નરેશભાઈ પ્રજાપતી સહિતનાઓની હાજરીમાં રવીવારે જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પોલીયો રસીકરણની અધીકારીઓ અને પદાધીકારીઓના હસ્તે શરૂઆત કરાવવામાં આવી હતી. અને સમગ્ર દિવસ દરમીયાન 2,16,016 બાળકોમાંથી 1,85,608 બાળકોને પોલીયોની રસી અપાઈ હતી. જે પ્રથમ દિવસે 86 ટકા કામગીરી થઈ હતી. રવીવારે પોલીયોની રસી આપવામાં બાકી રહી ગયેલા બાળકોને આરોગ્ય કર્મીઓ તા. 24 અને 25ના રોજ હાઉસ-ટુ-હાઉસ જઈને રસી આપશે.