• જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે શનિવારે કલેક્ટરે બેઠક કરી

  • આગામી દિવસોમાં મત ગણતરીમાં ફરજ બજાવનાર કર્મીઓના ઓર્ડર અને તાલીમ થશે
  • એમ.પી.શાહ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ અને વીવીપેટને પેરા મિલિટરી ફોર્સના જવાનોના પહેરા વચ્ચે રખાયા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ગત તા. 7મી મેના રોજ મતદાન યોજાયુ હતુ. ત્યારે હાલ લોકસભા બેઠકના 2136 મતદાન મથકોએથી આવેલા ઈવીએમ અને વીવીપીએટ મત ગણતરી કેન્દ્ર એવા એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સીલ છે. ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગે હવે મત ગણતરીની તૈયારીઓ આદરી છે. જેમાં શનિવારે જિલ્લાના મદદનીશ ચૂંટણી અધીકારીઓ સાથે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી.

સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક સહિત રાજયની લોકસભા બેઠકો પર ત્રીજા ચરણમાં તા. 7 મેના રોજ મતદાન યોજાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર નોંધાયેલા 20,33,419 મતદારોમાંથી 11,20,128 મતદારોએ મતદાન કરતા 55.09 ટકા મતદાન થયુ છે. ગત તા. 7મી મેના રોજ સાંજે મતદાન બાદ લોકસભા બેઠક અંતર્ગત આવતા 7 વિધાનસભા વિસ્તારોમાંથી ઈવીએમ અને વીવીપીએટ મત ગણતરી કેન્દ્ર સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લાવી સીલ કરાયા છે. આ સ્ટ્રોંગરૂમ બહાર પેરા મીલીટરી ફોર્સનો રાઉન્ડ ધ કલોક પહેરો રહે છે. સુરેન્દ્રનગર સહિત દેશભરની લોકસભા બેઠકોની મત ગણતરી આગામી તા. 4થી જુનના રોજ થનાર છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી વિભાગે પણ હવે મતગણતરીની તૈયારીઓ આરંભી છે. આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી અર્જુન ચાવડાના જણાવાયા મુજબ તા. 18ના રોજ કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટ સાતેય વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિતનાઓ સાથે મત ગણતરી અંગે બેઠક કરી હતી. જયારે આગામી દિવસોમાં મત ગણતરીમાં ફરજ બજાવનાર કર્મીઓના ઓર્ડર કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને મતગણતરી અંગેની તાલીમ આપવામાં આવશે.


  • Follow us on: