સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર અને ઝુંપડા, દસાડાના ગેડીયા, મૂળીના રામપરડા ગામે પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં દારૂ, કાર, મોબાઈલ સહિત રૂપિયા 14,62,664નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દરોડાઓમાં 3 આરોપી ઝડપાયા છે. જયારે ગેડીયાની મહિલા બુટલેગર સહિત પાંચ આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.


ચોટીલા પીઆઈ આઈ.બી.વલવીની સુચનાથી સ્ટાફના પીએસઆઈ બી.એન.ગળચર સહિતની ટીમ ગુરૂવારે રાત્રી પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે રાતના 2-40 કલાકે ચોટીલાથી કાળાસર તરફ જતી એક કાર શંકાસ્પદ લાગતા તેને રોકી તપાસ કરાઈ હતી. જેમાં કારની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે કાર ચાલક રાજકોટના કોઠારીયા પાર્કમાં આવેલ રાધીકા રેસીડેન્સીમાં રહેતા 27 વર્ષીય દીપક દેવશીભાઈ ભાસ્કરને વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 52,800, 314 ચપલા કિંમત રૂપિયા 83,210, 5 હજારનો મોબાઈલ, 2 હજાર રૂપિયા રોકડા અને રૂપિયા 4 લાખની કાર સહિત કુલ રૂપિયા 5,43,010ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછ કરતા આ દારૂ ચોટીલાના ઉદય ખાચર પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જયારે બજાણા પીઆઈ એમ.બી.બામ્બા, એએસઆઈ પી.પી.ખુંટી, લખતર પોલીસના નરેન્દ્રસીંહ કાસેલા સહિતનાઓ સંયુકત રીતે ગુરૂવારે રાત્રે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે રાત્રે 2-45 કલાકના સુમારે પોલીસ ટીમ ગેડીયા ગામે પ્રાથમીક શાળા નજીક પહોંચતા કમાલપુર તરફથી એક કાર અને તેની આગળ એક એકટીવા ચાલક આવતો નજરે પડયો હતો. પોલીસને જોઈને એકટીવા ચાલક એકટીવા મુકી ફરાર થઈ ગયો હતો. જયારે કાર ચાલક પણ કાર મુકી ભાગી ગયો હતો. જયારે કાર ચાલકની બાજુમાં બેઠેલો શખ્સ ભાગવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછ કરતા તે ગેડીયાનો જશવંત ઉર્ફે જશો કાળુભાઈ સોયા હોવાનું તથા કારમાં ગેડીયાની બીલ્કીશબાનુ હનીફખાન ઉર્ફે કાળો મુન્નો મલેકે દારૂ ભરી આપ્યાનું જણાવ્યુ હતુ. કાર ચાલક દારૂ લેવા આવ્યો હતો અને તે એકટીવા સાથે તેને ગામ બહાર મુકવા જતો હોવાનું તેણે જણાવ્યુ હતુ. પોલીસે વિદેશી દારૂની મોંઘીદાટ 120 બોટલો કિંમત રૂપિયા 3,70,800, રૂપીયા 5 લાખની કાર અને રૂપિયા 30 હજારનું એકટીવા સહિત કુલ રૂપિયા 9,00,800નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી છે. બુટલેગર મહિલા અને અન્ય 2 ફરાર આરોપીઓને શોધવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ મૂળી પીઆઈ પી.બી.લક્કડ સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન રામપરડા ગામે રહેતો જોરૂ ટપુભાઈ કરપડા તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ ઘરના ખુણામાંથી વિદેશી દારૂની 35 બોટલો કિંમત રૂપિયા 18,654ની કબજે કરી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. આરોપી જોરૂ કરપડાને ઝડપી લેવા વધુ તપાસ એચસી રવીરાજસીંહ પરમાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાના ઝુંપડા ગામના પાદરમાં હીતેશ ઝવેરભાઈ ચૌહાણ વિદેશી દારૂના 2 ચપલા કિંમત રૂપિયા 200 સાથે ચોટીલા પોલીસના હાથે પકડાયો હતો.


  • Follow us on: