સમગ્ર રાજયમાં મોટર વાહન વિભાગમાં ફરજ બજાવતા ટેકનિકલ અધિકારીઓ છેલ્લા 12 વર્ષથી તેમના પડતર પ્રશ્નો અંગે લડત આપી રહ્યા છે અને રાજય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા અધિકારીઓએ સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂંકયુ છે.
રાજયના મોટરવાહન વિભાગના ટેકનીકલ એસો.ના પ્રશ્નો વર્ષ 2013થી પડતર છે. ત્યારે હવે સમગ્ર રાજય સહિત સુરેન્દ્રનગર જિલ્લા આરટીઓના પણ ટેકનિકલ અધિકારીઓ આંદોલનના માર્ગે છે. કચેરીના વડાને આવેદન આપીને આંદોલનની શરૂઆત કરાઈ હતી. આરટીઓ ટેકનીકલ એસો.ની નાઈટ ડયુટી, અટકાવેલા પ્રમોશન, બદલીના હુકમો, વોશીંગ અને યુનિફોર્મ ભથ્થા, સસ્પેન્ડ કરેલા અધિકારીઓને પરત કરવા બાબતે, પ્રોબેશનને લગતા હુકમો, ખોટી ખાતાકીય તપાસો બંધ કરવા, ટ્રાન્સપોર્ટરોને અપાતા દંડ બાદ થતી હેરાનગતિ સહિતની માંગણીઓ પડતર છે. જેનું કોઈ નીરાકરણ ન આવતા ફરી આંદોલનનું રણશિંગું ફૂંકાયું છે. જેમાં તા.10મીએ અધિકારીઓ કચેરી તેમજ ચેક પોઈન્ટ પર પોતાનું કોઈપણ પ્રકારની કામગીરીનું લોગીન નહી કરે. જયારે તા. 11મીએ એક દિવસીય માસ સીએલ પર જઈ કામગીરીનો બહીષ્કાર કરી ધરણા કરનાર છે. તેમ છતાં જો પ્રશ્નોનું નીરાકરણ ન આવે તો તા. 15થી સ્વયંભૂ માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારાઈ છે.










