વઢવાણમાં રહેતા અને શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વ્યક્તિ ઓનલાઈન ફ્રોડનો શીકાર બન્યાનું સામે આવ્યુ છે.
આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં રહેતા વિનોદભાઈ જેઠાભાઈ ડાભી વઢવાણના ધોળીપોળ પાસે આવેલ શાળા નં. 1માં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તા. 6-1ના રોજ રાત્રે તેઓ ઘરે મોબાઈલમાં ફેસબુક જોતા હતા. આ સમયે ખાનગી ફાઈનાન્સ કંપનીના નામે લોન માટેની જાહેરાત આવી હતી.
જેમાં તેઓએ એપ્લાય કરતા તા. 7મીએ ધર્મેન્દ્રસીંગ નામના હિન્દી ભાષી વ્યક્તિએ ફોન કર્યો હતો. અને કોઈપણ આવકના પ્રુફ વગર માત્ર આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક પાસબુકના આધારે લોનની ઓફર કરી હતી. જેમાં વિનોદભાઈએ રૂ. 60 લાખની લોન માંગી હતી. પરંતુ ધર્મેન્દ્રસીંગે 20 લાખની મળશે તેમ જણાવ્યુ હતુ. બાદમાં લોન એમાઉન્ટ, ઈએમઆઈ, લોન શરૂ તારીખ, પુરી થયા તારીખ, આઉટ સ્ટેન્ડીંગ, કુલ વ્યાજ સહિતની શીટ મોકલી હતી. આ શીટ જોયા બાદ વિનોદભાઈ પાસે પ્રોસેસીંગ ફીના રૂ. 6,500, ઈન્સ્યોરન્સના રૂ. 17,210, ટીડીએસના 33,320, જીએસટીના 42,690 ભરવાનું કહેતા વિનોદભાઈએ ગુગલ પેથી નાણા મોકલ્યા હતા.
આ ઉપરાંત એનઓસીના રૂ. 76,311 માંગતા વિનોદભાઈ પાસે ન હોવાથી વ્યવસ્થા કરી મોકલવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ આ રૂ.માટે વારંવાર ફોન આવતા હતા. આ અંગે સ્નેહીજનોને વાત કરતા વિનોદભાઈ છેતરાયા હોવાની જાણ થઈ હતી. આથી વિનોદભાઈએ તા. 12મીએ વઢવાણ પોલીસ મથકે ધર્મેન્દ્રસીંગ સામે આઈટી એકટની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.