- ખેડૂતને ન્યાય મળે છે કે, ભીનું સંકેલાઈ જાય છે તેના પર સૌની મીટ
- ગુવારનું વાવેતર કર્યા બાદ એક પણ સીંગ ન આવતા ખેડૂતે વળતરની માંગ કરી હતી
- એગ્રો એજન્સીમાંથી હિંમતનગરની ડાયનેમીક સીડસ કંપનીના ગુવારના બીયારણની ખરીદી કરી હતી
ચૂડામાં રહેતા ખેડૂતે પોતાની ગોખરવાળાની સીમમાં આવેલી વાડીમાં ગત એપ્રિલ માસમાં 10 વીઘા જમીનમાં ગુવારનું વાવેતર કર્યુ હતુ.
ત્યારે બે માસ કરતા વધુ સમય થવા છતાં પાકમાં સીંગો ન આવી હોવાથી નકલી બીયારણની આશંકાએ ખેડૂતે વળતરની માંગ કરી હતી. ત્યારે આ બનાવ સામે આવતા ખેતીવાડી અધિકારી સહિતની ટીમે ગોખરવાળા દોડી જઈ સ્થળ તપાસ કરી હતી.
ચૂડાના ખેડુત નકલી બિયારણનો ભોગ બન્યા હતા. ચૂડામાં રહેતા દિનેશભાઈ ધનજીભાઈ પરમારની ગોખરવાળાની સીમમાં વાડી આવેલી છે. ગત એપ્રિલ માસમાં તેઓએ ચૂડાની માં એગ્રો એજન્સીમાંથી હિંમતનગરની ડાયનેમીક સીડસ કંપનીના ગુવારના બીયારણની ખરીદી કરી હતી. અને પોતાની વાડીમાં 10 વીઘા જમીનમાં ગુવારનું વાવેતર કર્યુ હતુ. સામાન્ય રીતે 45 દિવસે ગુવારના વાવેતરમાં સીંગો આવી જાય છે. પરંતુ ર માસ કરતા વધુ સમય થવા છતાં ગુવારની સીંગો આવતા તેઓએ તપાસ કરતા બિયારણ નકલી હોવાનું સામે આવ્યુ હતુ. આથી ખેડૂત દિનેશભાઈએ વળતરની માંગ કરી હતી. સમગ્ર બનાવ સામે આવતા જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ બાગાયતી નિયામક, ચૂડા ખેતીવાડી અધીકારી સહિતનાઓની ટીમ ગોખરવાળા દિનેશભાઈના ખેતરે દોડી ગઈ હતી. અને સ્થળ તપાસ કરી હતી. જેમાં પાકનો વાનસ્પતીક વૃધ્ધ બરોબર હતો. પરંતુ ફાલ બેઠો ન હતો અને સીંગો આવી ન હતી. બીજી તરફ એગ્રો એજન્સીમાં પણ ખેતીવાડીની ટીમે તપાસ કરી હતી. ત્યારે આ બનાવમાં ખેડૂતને ન્યાય મળે છે કે, ભીનું સંકેલાઈ જશે. તે તરફ સૌની મીટ મંડાઈ છે.