- ગત જાન્યુઆરીના બનાવની જુલાઈમાં થાનમાં ફરિયાદ નોંધાઈ
- રૂ. 2 લાખ સામે 5.40 લાખ ચૂકવ્યા છતાં 3.20 લાખની રકમ માંગતા હતા
- 23મી જાન્યુઆરીએ રાત્રે આ બન્ને શખ્સો કારમા 2 અજાણ્યા માણસોને લઈને આવ્યા હતા
થાનમાં રહેતા યુવાને 2 મિત્રો પાસેથી રૂ. 2 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા.
આ રકમ સામે અત્યાર સુધીમાં 5.40 લાખ આપી દેવા છતાં તેઓ 3.20 લાખની ઉઘરાણી કરતા હતા. જેમાં ગત જાન્યુઆરીમાં યુવાનનું અપહરણ કરી ગેબીનાથ બોર્ડ બાજુ લઈ જઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની 4 શખ્સો સામે થાન પોલીસ મથકે તા. 9મી જુલાઈએ ફરિયાદ નોંધાઈ છે.
થાનમાં ગત જાન્યુઆરી માસમાં બનેલા બનાવની જુલાઈ માસમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહીતી મુજબ મુળ મુળીના રાણીપાટ ગામના દેવાભાઈ નરશીભાઈ મકવાણા હાલ થાનમાં રહે છે. તેઓએ દોઢ વર્ષ પહેલા મિત્રો ભવાનીગઢના કરશન પ્રેમજીભાઈ પરમાર અને વેલા કાળાભાઈ પરમાર પાસેથી રૂ. 2 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં અત્યાર સુધીમાં રૂ. 5.40 લાખ ચૂકવી દેવાયા હતા. ત્યારે તા. 23મી જાન્યુઆરીએ રાત્રે આ બન્ને શખ્સો કારમા 2 અજાણ્યા માણસોને લઈને આવ્યા હતા અને ચાલ હિસાબ કરવાનો છે તેમ કહી કારમા દિનેશભાઈનું અપહરણ કરી ગેબીનાથ બોર્ડ સુધી લઈ જઈ નીચે ઉતારી માર મારી વધુ રૂ. 3.20 લાખની માંગણી કરી હતી. અને જો આ રકમ ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની થાન પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.એમ. કલોતરા ચલાવી રહ્યા છે.