રાજય ચૂંટણી આયોગે મંગળવારે સાંજે સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાતો કરી દીધી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન પાલિકા તેમજ અમદાવાદ જિલ્લામાં સાણંદ, બાવળા અને ધંધૂકા પાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત લીંબડી અને ધ્રાંગધ્રા પાલિકામાં ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે.


જ્યારે મોરબી જિલ્લામાં હળવદ પાલિકાની ચૂંટણી યોજાશે.સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ ઓબીસી જનસંખ્યાના આધારે બેઠકોનો પ્રકાર નક્કી કરવાનો આદેશ કરાતા સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી લાંબા ગાળાથી ટલ્લે ચડી હતી. ત્યારે રાજય ચૂંટણી પંચે મંગળવારે સાંજે રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત કરી છે. જેમાં જુનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાશે. આ ઉપરાંત સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકામાં ચૂંટણીએ નગારે ઘા વાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકામાં 7 વોર્ડ છે અને 28 સુધરાઈ સભ્યો ચૂંટાય છે. થાન નગરપાલિકાની મુદત ગત ફેબ્રુઆરી-2023માં પુરી થઈ ગઈ છે. ત્યારથી થાન નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. અને વહીવટદાર શાસનને લીધે નગરપાલીકામાં વિકાસના કાર્યો થતા નથી. વહીવટદારને પણ અન્ય સ્થળે ચાર્જ હોવાથી નિયમિત હાજરી આપી શકતા નથી. જેના લીધે થાનમાં ગંદકી, ગટરો ઉભરાવવાના પ્રશ્નો સામાન્ય બન્યા છે. ત્યારે થાન નગરપાલિકાની ચૂંટણી આવતા પણ વહીવટદારનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. થાન નગરપાલિકાની ચૂંટણી સાથે બંને જિલ્લા ગ્રામ્યમાં પાલિકા, તાલુકા પંચાયતમાં ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાનાર છે.

તાલુકા પંચાયત અને નગરપાલિકાની ખાલી બેઠકો પર પેટા ચૂંટણી

લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠક પર સભ્ય કાળુભાઈ હીરાભાઈ રાઠોડનું અવસાન થતા, સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી બેઠકના રામસંગભાઈ રઘુભાઈ બોહકીયાએ રાજીનામુ આપતા બેઠક ખાલી થઈ હતી. આ ઉપરાંત લીંબડી નગરપાલિકાના વોર્ડ નં. 1ના સભ્ય રવીરાજસીંહ વનરાજસીંહ રાણા અને ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં. 1ના સભ્ય જીલાભાઈ મેવાડાનું અવસાન થતા આ બન્ને બેઠકો પણ ખાલી છે. ત્યારે આ ચારેય ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે.


  • Follow us on: