ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવા માટે સુનાવણી બાદ સુરેન્દ્રનગરથી ગાંધીનગર રિપોર્ટ કમિટીને મોકલી દીધા બાદ કંપનીવાળા મંજૂરી મેળવવા માટે હવાતિયા મારી રહ્યા છે ત્યારે ગ્રામજનો કોઈ પણ ભોગે પ્લાન્ટ ચાલુ નહીં થવા દેવા મક્કમ દેખાઈ રહ્યા છે. હવે કમિટી શું નિર્ણય લે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની અતિ ફ્ળદ્રુપ જમીનની વચ્ચે જામનગરની દેવયોગી હેલ્થકેર એલ.એલ.પી. કંપની દ્વારા બાયો મેડીકલ વેસ્ટ ટ્રીટમેંટ પ્લાન્ટ બનાવવા માટે મંજૂરી મંગાઈ હતી. જે બાબતની લોક્ સુનાવણી ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર અને પોલ્યુશન બોર્ડ અધિકારીની હાજરીમાં યોજાઈ હતી. ત્યારે સોલડી સહિત આજુબાજુના અનેક ગામડાના હજારોની સંખ્યામાં ગ્રામજનો ખેડૂતો હાજર રહ્યા હતા. અને આવો પ્લાન્ટ ચાલુ થાય તો આજુબાજુની જમીન, પાણી અને ગ્રામજનોના આરોગ્ય ઉપર ગંભીર અસર થાય એમ હોવાથી મહિલાઓ સહિતના લોકોએ ખુલ્લો વિરોધ દર્શાવી કોઈ પણ ભોગે આ પ્લાન્ટને અહીં મંજૂરી નહીં આપવાની ઉગ્ર માંગ કરી હતી. ત્યારબાદ 100થી વધારે લોકોએ ડેપ્યુટી કલેકટરને વાંધા પણ રજૂ કર્યા હતા અને ગાંધીનગર સુધી મંજૂરી નહીં આપવા રજૂઆત કરી હતી. એવામાં હાલ ડેપ્યુટી કલેકટર અને પોલ્યુશન બોર્ડનો સંયુક્ત રિપોર્ટ ગાંધીનગર કમિટીને રજૂ કરી દેવાયો છે. ત્યારે આજુબાજુના ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ ગાંધીનગરથી આ બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેંટ પ્લાન્ટને મંજૂરી અપાય છે કે નહીં એની સામે સમગ્ર વિસ્તારના લોકોની નજર મંડાયેલી છે. સુરેન્દ્રનગરની GPCB કચેરીના ફલ્ગુનભાઈ મોદીએ જણાવેલ કે અહીથી સંયુક્ત રિપોર્ટ ગાંધીનગર કમિટિને મોકલી દેવાયો છે. કંપનીને મંજૂરી માટેનો નિર્ણય કમિટી દ્વારા લેવાશે.