ધ્રાંગધ્રામાંથી સિટી પોલીસની ટીમે 3 યુવાનોને ચોરીની 3 રિક્ષા સાથે પકડી પાડયા હતા. આ શખ્સોએ અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.


ધ્રાંગધ્રા સિટી ઈન્ચાર્જ પીઆઈ એ.કે.વાઘેલાની સુચનાથી સ્ટાફના ડી.એન.પરમાર, સરફરાઝભાઈ સહિતનાઓ શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે મયુરનગર વિસ્તારમાં રિક્ષા સાથે ઉભેલા ત્રણ શખ્સો પાસે રહેલ રિક્ષા ચોરીની હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફે જઈ પુછપરછ કરતા ત્રણેય શખ્સોએ અમદાવાદના નારોલ અને અસલાલી વિસ્તારમાંથી રિક્ષા ચોરી હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે મુળ ધ્રાંગધ્રાના હળવદ દરવાજા પાસેના અને હાલ નારોલમાં રહેતા રોહીત જામાભાઈ સરૈયા, હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા જયદીપ દેવાભાઈ વરૂ અને વિષ્ણુ જાલાભાઈ સરૈયાને ઝડપી લીધા હતા. તેઓની પાસેથી ચોરીની 3 રિક્ષા કિંમત રૂ. 5 લાખની કબજે કરાઈ હતી. ધ્રાંગધ્રામાંથી અગાઉ પણ 2 શખ્સો રિક્ષા ચોરીના ગુનામાં ઝડપાયા હતા. ત્યારે વધુ 3 આરોપી ઝડપાયા છે. આ આરોપીઓની પુછપરછમાં અમદાવાદ રિક્ષા ચોરીમાં વધુ નામ ખુલી શકે તેવી પોલીસને આશા છે. હાલ આરોપીઓની અટક કરી તેની જાણ અમદાવાદના નારોલ અને અસલાલી પોલીસને કરાઈ છે.


  • Follow us on: