સુરેન્દ્રનગર શહેરમાં સરકારી ગાંધી હોસ્પિટલ અને પંચવટી કોમ્પલેક્ષ પાસેની ગલીમાંથી ગત જાન્યુઆરી માસમાં બાઈક ચોરાયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે. બન્ને બનાવની ફરિયાદ નોંધી બાઈક ચોરની ભાળ મેળવવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
વઢવાણ તાલુકાના લટુડા ગામે રહેતા 30 વર્ષીય ગેલાભાઈ ભરતભાઈ ખાવડીયા ગાંધી હોસ્પીટલમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તા. 26-1-25ના રોજ તેઓને રાતની નોકરી હોઈ રાત્રે 8 કલાકે બાઈક લઈને ફરજ પર આવ્યા હતા. અને હોસ્પીટલના સર્જીકલ વોર્ડ પાસે બાઈક મુકયુ હતુ. જયારે બીજા દિવસે તા. 27-1ના રોજ સવારે 6-30 કલાકે ફરજ પુરી કરી ઘરે જવા માટે બાઈક જોતા નજરે પડયુ ન હતુ. આથી તેઓ બાઈક ચોરાયાની ઈ-એફઆઈઆર કરી હતી. જેમાં તા. 14-5ના રોજ મોડી સાંજે બી ડીવીઝન પોલીસ મથક સુરેન્દ્રનગર ખાતે રૂપીયા 20 હજારનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.એલ.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે વઢવાણ તાલુકાના ખારવા ગામે આવેલ અંબે માતાજીના ચોક પાસે રહેતા 44 વર્ષીય મનોજભાઈ દેવરાજભાઈ કચીયા સુરેન્દ્રનગરના આંબેડકર ચોક નજીક આવેલ પંચવટી કોમ્પલેક્ષમાં અક્ષર ટ્રેકટર સ્પેરપાર્ટસ નામે દુકાન ચલાવે છે. તા. 21-1-25ના રોજ સવારે તેઓ દુકાને આવ્યા હતા. અને કોમ્પલેક્ષની ગલીમાં બાઈક પાર્ક કર્યુ હતુ. બપોરે જમવાના સમયે તેઓએ જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આથી શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા ઈ-એફઆઈઆર કરી હતી. જેમાં તા. 15ના રોજ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રૂપીયા 10 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે.










