સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ અને ધ્રાંગધ્રા બાયપાસ રોડ પાસે અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરમાં સવારના સમયે બાઈક લઈને દુધ દેવા જતા દુધરેજના આધેડનું મોત થયુ છે. જયારે ધ્રાંગધ્રામાં હીટ એન્ડ રન બનાવમાં યુવાનનો જીવનદીપ બુઝાયો છે. બન્ને બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દુધરેજના ખોડુ રોડ પર કલ્યાણનગરમાં રહેતા 35 વર્ષીય મયુરભાઈ ભુરાભાઈ ખટાણા જીઆઈડીસીમાં મજુરી કરે છે. તેમના પિતા ભુરાભાઈ પશુપાલન કરતા હતા. તા. 21મીએ સવારે તેઓ બાઈક પર દુધના કેન લઈને 80 ફુટ રોડ તરફ ગ્રાહકોને દેવા નીકળ્યા હતા. જેમાં ગોકુલ હોટલથી ભકિતનંદન સર્કલ તરફ જતા ઉદ્યોગનગરના ગેટ પાસે પાછળથી પુરઝડપે આવેલા ટ્રકે બાઈકને ઠોકર મારી હતી. આથી ભુરાભાઈ નીચે પટકાયા હતા અને ટ્રકના ખાલી વ્હીલમાં આવી ગયા હતા. જેમાં તેઓને ગંભીર ઈજા થતા મોત થયુ હતુ. બનાવની મયુરભાઈએ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ ઝેડ. એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રાના મયુરનગરમાં રહેતા 39 વર્ષીય લખમણભાઈ દેવશીભાઈ હાડગડા ચાની હોટલ ચલાવે છે. તેમનો નાનો ભાઈ 35 વર્ષીય ગોપાલ હાડગડા તા. 22મીએ સાંજે ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર ચાલીને ઘર તરફ આવતો હતો. ત્યારે એક અજાણ્યા ટ્રેલરના ચાલકે તેઓને પાછળથી ઠોકર મારી હતી. જેમાં ગોપાલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા દવાખાને લઈ જવાતા ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી નાસી જનાર ચાલક સામે મૃતકના ભાઈ લખમણભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની વધુ તપાસ પીએસઆઈ જે. સી. દેસાઈ ચલાવી રહ્યા છે.










