અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વઢવાણ તાલુકાના વડોદ અને ફુલગ્રામ પાસે 10 કિમીના અંતરે આવેલા બે પેટ્રોલપંપ પર તસ્કરો ત્રાટકયા હતા. પંપની ઓફીસમાં રહેલ લાકડાના ટેબલના ખાના ખોલી તેમાં રાખેલ રૂપિયા 1,17,400 રોકડા ચોરાયાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મુળ વઢવાણ તાલુકાના વડોદ ગામના 35 વર્ષીય ધવલભાઈ દેવશીભાઈ પઢેરીયા હાલ સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર રહે છે. તેઓને વડોદ નેશનલ હાઈવે પર શિવ પેટ્રોલીયમ નામે પેટ્રોલપંપ આવેલો છે.
ગત તા. 3જીના રોજ સવારે પંપના કર્મચારી દિનેશભાઈ લોઢાએ પંપમાં ચોરી થયાની જાણ કરી હતી. આથી ધવલભાઈ પેટ્રોલપંપે દોડી ગયા હતા. જયાં તપાસ કરતા ઓફીસમાં રહેલ સામાન વેરવિખેર હતો. અને લાકડાના ટેબલના ખાનામાં પેટ્રોલ ડીઝલના હીસાબના રૂપિયા 87 હજાર રોકડા ચોરાયા હતા. આ અંગે પુછતાછ કરતા રાતના સમયે કર્મચારીઓ સાડા ત્રણ સુધી જાગતા હતા.










