સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમને ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઉત્તરાખંડના શખ્સને રૂ. 6,190ની એલોપેથી દવાઓ સાથે ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં અવારનવાર લોકોના ભોળપણનો લાભ લઈ તબીબી પ્રેકટીસ કરતા નકલી ડોકટર ઝડપાય છે. સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફના અનીરૂધ્ધસીંહ સહિતનાઓને ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે કુડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. પ્રશાંત સોલંકીને સાથે રાખી રેડ કરી હતી. જેમાં મુળ ઉત્તરાખંડ રાજયના ઉધમસીંહનગર જિલ્લાના રૂદપુર ગામનો 28 વર્ષીય તુષારન સંજયભાઈ સરદાર ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા તેની પાસે તબીબી સારવાર કરવાનું કોઈ પ્રમાણપત્ર કે ડીગ્રી અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર હતુ નહી. તે છેલ્લા 3 વર્ષથી તબીબી સારવાર કરતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આથી પોલીસે રૂ. 6,190ની દવાઓ સાથે આ શખ્સને ઝડપી લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ એચસી એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.










