સાયલા તાલુકા ગ્રામ્યમાં રહેતા એક વૃધ્ધને વર્ષ 2017માં એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો. જેમાં સ્ત્રીએ મારે તમારી વાડી ભાગવી રાખવી છે તેમ કહી વઢવાણ બોલાવ્યા હતા. અને વાડી જોવાના બહાને બાઈક પર બન્ને વૃધ્ધના ગામ જતા હતા.
ત્યારે વઢવાણ ટાઢી વડલી પાસે બે શખ્સોએ આવી સીઆઈડી પોલીસ તરીકેની ઓળખ આપી રૂ. 57 હજાર પડાવી લીધા હતા. આ કેસનો ફરાર આરોપી પેરોલ ફર્લો સ્કવોડના હાથે 8 વર્ષ બાદ ઝડપાયો છે.સાયલાના એક ગામમાં રહેતા વૃધ્ધ વર્ષ 2017માં રેશનીંગની દુકાન ચલાવતા હતા. ગત તા. 19-5-17ના રોજ તેમના પર એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો. જેમાં સ્ત્રીએ મારે તમારી વાડી ભાગવી રાખવી છે તેમ જણાવ્યુ હતુ. બાદમાં ગત તા. 22-5-17ના રોજ વૃધ્ધ કામસર સુરેન્દ્રનગર આવ્યા હતા અને વઢવાણ બસ સ્ટેશન પાસે સ્ત્રીને મળ્યા હતા. અને સ્ત્રીએ વાડી જોવાનું કહેતા બન્ને બાઈક પર વૃધ્ધના ગામ જતા હતા. ત્યારે વઢવાણ ટાઢી વડલી પાસે કારમાં આવેલા બે શખ્સોએ સીઆઈડી પોલીસ હોવાની ઓળખ આપી હતી. અને સ્ત્રી સાથે શરીર સબંધ બાંધવાનું કહી રૂપીયા 25 લાખની માંગણી કરી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અને એક શખ્સે લમણા પર તમંચો મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રૂપીયા 57 હજાર પડાવી લઈ રૂપીયા 10 લાખનો ચેક લઈ લીધો હતો. આ ચેકમાં સહી ફેરફાર હોવાથી ચેક પાસ ન થતા ફરી બન્નેએ વૃધ્ધને ફોન કર્યો હતો. જેમાં વૃધ્ધે બેંકમાં જાણ કરી ખાતુ બંધ કરાવી દીધુ હતુ. બાદમાં આ બન્ને વૃધ્ધનો પીછો કરતા વૃધ્ધે સુદામડામાં પુછપરછ કરતા તેઓ સુદામડાનો માણસી ટપુભાઈ વાળા અને હસુભાઈ નરશીભાઈ ગાબુ હોવાનું ખુલ્યુ હતુ. આ દરમીયાન 13-7-17ના રોજ વૃધ્ધે વઢવાણ પોલીસ મથકે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. જેનો આરોપી માણસી ગુનો નોંધાયો ત્યારથી ફરાર હતો. આ દરમીયાન આ શખ્સ વઢવાણ ધરમતળાવ પાસે હોવાની બાતમી પેરોલ ફર્લો ટીમને મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના દશરથભાઈ, શકિતસીંહ, ધવલભાઈ સહિતની ટીમે 58 વર્ષીય માણસી ટપુભાઈ વાળાને ઝડપી લઈ વઢવાણ પોલીસના હવાલે કર્યો છે.










