- 17 ખેડૂતોની અરજી દફતારે કરી અને માત્ર રાજપરની જ નોંધ મંજૂર કરાઇ હતી
- રાજ્યના મહેસૂલ સચિવ પાસેથી ગુજરાત તકેદારી આયોગ દ્વારા રિપોર્ટ મંગાવાયો
- સર્કલ સહિતના અધિકારીઓએ ચોટીલા વીડની જમીનની ખોટી રીતે નોંધ મંજૂર કરી
સુરેન્દ્રનગર જિલ્લો અને ખાસ કરીને વીડની જમીનમાં ગેરરીતિઓ માટે પંકાયેલો છે.
અત્યાર સુધીમાં અધિક કલેકટર, મામલતદાર અને સર્કલ સહિતના અનેક લોકો વીડની જમીન મામલે જેલવાસ ભોગવી ચુકયા છે. અગાઉ સર્કલ સહિતના અધિકારીઓએ ચોટીલા વીડની જમીનની ખોટી રીતે નોંધ મંજૂર કરી હતી. જે બાબતની તત્કાલિન કલેકટર દ્વારા તપાસ કરાવી પોલીસ ફરિયાદ કર્યા બાદ મંજૂર કરેલી નોંધ નામંજૂર કરાવાઇ હતી. ત્યારે વઢવાણના રાજપરની સર્વે નંબર 70-71 વાળી જમીન કલેકટરની પુર્વ મંજૂરી વગર વેચાણ કરતા સર્કલે નોંધ ના મંજૂર કરી ત્યારબાદ વઢવાણ પ્રાંત અધિકારીએ પણ સર્કલનો ના મંજૂરનો હુકમ ગ્રાહય રાખ્યો. પરંતુ આ બંન્નેએ નકારાત્મક હુકમ છતાંય ફરીથી વેચાણ વ્યવહાર કરે તો મંજૂરી લીધા બરાબર ગણવાનો કલેકટરે હુકમ કર્યો હતો. ત્યારબાદ ફરીથી વેચાણ વ્યવહાર કરી નોંધ મંજૂરી માટે જતા કલેકટરની પુર્વ મંજૂરી નહીં લીધી હોઇ ફરીથી સર્કલે નોંધ ના મંજૂર કરી હતી. પરંતુ કોઇનું દબાણ આવ્યુ કે અંગત લાભ માટે થયુ હોય એમ ના મંજૂર કરેલી નોંધ બે દિવસ પછી સીસ્ટમ અનલોક કરી ફરીથી મંજૂર કરી દેવાઇ હતી. આમ અગાઉ તત્કાલિન કલેકટરે ચોટીલામાં સર્કલ સહિતના સ્ટાફે ખોટી રીતે વીડની મંજૂર કરાતા પોલીસ ફરિયાદ કરી નોંધ ના મંજૂર કરી હતી. જ્યારે સુરેન્દ્રનગર કલેકટર દ્વારા વઢવાણના રાજપરની સર્વે 70-71વાળી જમીનની સર્કલ પ્રાંત અધિકારીએ નોંધ ના મંજૂર કરવા છતાંય કલેકટરની પુર્વ મંજૂરી ના લીધી હોવા છતાંય સીસ્ટમ સાથે ચેડા કર્યા બાદ નોંધ મંજૂર કરાતા આ ગંભીર બાબતની ગાંધીનગર ગુજરાત તકેદારી આયોગ(વીજીલન્સ) દ્વારા તપાસ શરૂ કરી અધિક મહેસુલ સચિવ પાસેથી રીપોર્ટ મંગાવી કાર્યવાહી હાથ ધરી છે.










