ચૂડા તાલુકાના વનાળા ગામે રહેતા યુવાનને ગામના એક પરિવારની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો. તા. 25 મી જાન્યુઆરીની રાત્રે યુવાન પ્રેમીકાને મળવા ગયો હતો. ત્યારે યુવતીનો એક ભાઈ બન્નેને ઘરમાં સાથે જોઈ જતા મામલો બીચકયો હતો. અને યુવતીના પિતા તથા બે ભાઈઓએ ભેગા મળી યુવાનની છાતીમાં છરાના ઘા ઝીંકી મોત નિપજાવ્યુ હતુ.
વનાળા ગામે રહેતા 30 વર્ષીય હિતેશભાઈ હેમુભાઈ સરવૈયા મજુરીકામ કરે છે. તેમનો નાનો ભાઈ હરેશ સરવૈયા 29 વર્ષનો હતો. તેને ગામના જીવણભાઈ મથુરભાઈ સરવૈયાની દિકરી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી અને બન્ને વચ્ચે સામાન્ય મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. તા. 25મીના રોજ રાત્રે હરેશ સરવૈયા કોઈ કારણોસર જીવણભાઈના ઘરે ગયો હતો. જેમાં જીવણ મથુરભાઈ સરવૈયા, તેમના પુત્રો પ્રકાશ ઉર્ફે બાવલ જીવણભાઈ સરવૈયા અને ચીરાગ જીવણભાઈ સરવૈયાએ છરા જેવા તિક્ષ્ણ હથિયારથી હીતેશભાઈની છાતીએ ઘા કર્યા હતા. બનાવની તા. 26મીએ વહેલી સવારે જાણ થતા હીતેશભાઈ સહિતના પરીવારજનો દ્વારા હરેશભાઈને સારવાર માટે ધંધૂકા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જેમાં હરેશભાઈને ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બનાવની ચૂડા પોલીસ મથકે હીતેશભાઈ સરવૈયાએ આરોપી જીવણ મથુરભાઈ સરવૈયા, તેમના પુત્રો પ્રકાશ ઉર્ફે બાવલ અને ચીરાગ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાતા જ ચૂડા પીઆઈ એમ. આર. શેઠ, પીએસઆઈ એચ.એચ.જાડેજા, હિતુભા વાળા સહિતનાઓએ ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા.










