- રૂ. 221 કરોડની ITC પાસ ઓન કરી : 99 પેઢીઓ પર દરોડા રૂ. 19 કરોડ વસૂલ
- રેડેક્સ એન્ટરપ્રાઈઝના તાહિર મેહમુદ રજાઈવાલાને 7 દિવસના રીમાન્ડ
- દરોડામાં વાંધાજનક હિસાબી સાહિત્ય, લેટરહેડ ડિજીટલ સિગ્નેચર, સર્ટિફીકેટો જપ્ત કરાયા
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે, અમદાવાદમાં રેડેક્સ એન્ટરપ્રાઈઝ અને રેડેક્સ એન્ટરપ્રાઈઝ પ્રા. લિ.ના ધંધાના સ્થળે અને ભાગીદારો ડિરેક્ટરોના રહેણાંક સ્થળે દરોડા પાડીને રૂ. 1,228 કરોડના બોગસ બિલિંગ મારફતે રૂ. 221 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખ) પાસ ઓન કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડમાં અમદાવાદના તાહિર મેહમુદ રજાઈવાલાની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં બોગસ બિલિંગ, ખોટી રીતે ITC મેળવવા અને પાસ ઓન કરવા અને કરચોરીનો આંકડો વધે તેવી શક્યતા છે. તાહિર મેહમુદ રજાઈવાલાને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરાતાં આરોપીને 7 દિવસના માન્ડ મંજૂર કરાયા છે. રેડેક્સ એન્ટરપ્રાઈઝ દેશના 14 રાજ્યોમાં કાર્યરત છે અને અગ્રણી કંપનીઓમાં 14,000 મેનપાવર સપ્લાય કરે છે. તાહિર મેહમુદ રજાઈવાલાએ કુલ 96 બોગસ પેઢીઓ ઓપરેટ કરીને રૂ. 1,228 કરોડના બોગસ બિલિંગનું કૌભાંડ આચર્યું હતું. આ ઓપરેટેડ પેઢીઓના નામે સર્વિસીસ પૂરી પાડ્યા વિના ફક્ત કાગળ પર જ મેન પાવરના સપ્લાયના વ્યવહારો દર્શાવીને કૌભાંડ આચર્યું હતું અને રૂ. 1,228 કરોડના બોગસ બિલિંગ મારફતે રૂ. 221 કરોડની ITC પાસ ઓન કરી હતી. આ પેઢીઓ દ્વારા રૂ. 38 કરોડની ITC મેળવવામાં આવી હતી અને તે પૈકી રૂ. 19 કરોડની રકમ વસૂલ કરાઈ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, SGST વિભાગ દ્વારા તાજેતરમાં મૈન પાવર સર્વિસ પૂરી પાડતા એકમોના સ્થળો પૈકી અમદાવાદમાં રૅડેક્સ એન્ટરપ્રાઈઝ અને રેડેક્સ એન્ટરપ્રાઈઝ પ્રા. લિ.ના ધંધાના સ્થળ તેમજ ભાગીદારો અને ડિરેક્ટરોના ઘર પર દરોડા પાડ્યા હતા અને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. દેશના 14 રાજ્યોમાં અગ્રણી કંપનીઓમાં 14,000 મેનપાવર સપ્લાય કરીને ઈનવર્ડ સપ્લાય સંદર્ભમાં બોગસ પેઢીઓ મારફતે વૈરાશાખ (ITC) મેળવીને પ્રમાણસર વેરો ભરપાઇ કર્યો નહોતો. આ પેઢીઓ દ્વારા રૂ. 38 કરોડની ITC મેળવવામાં આવી હતી અનેતે પૈકી રૂ. 19 કરોડની રકમ વસૂલ કરીને બાકીની રકમની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ છે.
