તળાજા શહેર તાલુકાના વાતાવરણમા ગઈકાલ રાત્રિથી પલટો આવ્યો હતો, સંકેલીને કબાટમાં મુકાઈ ગયેલા જરસી રાત્રી દરમિયાન મુસાફરી કરનાર અને ક્રિકેટ રમવા જનારને કાઢવા પડયા હતા.વહેલા સવારના પાંચવાગે સુસવાટા મારતા પવન ફૂંકાયો હતો.
મહારાષ્ટ્રમા ઉભા થયેલા વાતાવરણની અસર છેક ગોહિલવાડ સુધી પહોંચી છે.ચૈત્ર માસના પ્રારંભે જ અસહ્ય ગરમી પડવાના બદલે પવનની ગતિમા વધારો સાથે ઠંડી પડી રહી છે.ગતરાત્રે બોક્સ ક્રિકેટના ખેલાડીઓએ જણાવ્યું હતુ કે, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાવવાના કારણે ઘરેથી ગરમ વસ્ત્ર્રો લાવવાની ફરજ પડી હતી., ઘરની અંદરના પંખાઓ બંધ કરવા પડયા હતા. વહેલી સવારે 5 કલાકે તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. વાડીમા અઢીસો જેટલા આંબાનો બાગાયતી પાક લેનાર ખેડૂત પ્રદીપસિંહ સરવૈયા એ જણાવ્યું હતુ કે, ભારે પવનના કારણે ખાખટી આંબા પરથી ખરી રહી છે. આ રીતે સતત પવન અને તેમાંય માવઠું થયું તો મોર, ખાખટી અને કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.










