• 101 ફૂટ ઊંચાઈના શિવાલયના નિર્માણમાં વપરાયો 1.45લાખ ઘન ફૂટ પથ્થર

  • નાગર શૈલિમાં નિર્મિત શિવધામ ભારતીય શિલપકલાનું અલૌકિક ઉદાહરણ
  • સ્વયં સેવકોએ આગવી કુનેહ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે

ગુરુપુષ્ય અમૃતસિધ્ધિ યોગમાં ગત 16, ફેબ્રુઆરીથી શરૂ થયેલા તરભ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શિવભકતોનો સાગર ઘુઘવી રહ્યો છે. મંગળવારે અતિરુદ્ર હોમનો પ્રારંભ કરાયો છે. જે સળંગ ત્રણ દિવસ સુધી ચાલશે. સળંગ સાત દિવસ ચાલનાર ધાર્મિક કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે અને તરભ જેવા નાનકડા ગામ અને ઉત્તર ગુજરાતમાં નવો વિક્રમ સ્થપાશે. શિક્ષણ સાથે ધર્મની જયોત જલાવનાર મહંત બળદેવગિરિ હાલમાં હયાત નથી. પરંતુ, માત્ર ચાર વર્ષની કુમળી વયે જ ગુરુજીના ચરણોમાં અર્પિત કરાયેલા અને વર્તમાન મહંત જયરામગિરિની નિશ્રામાં તરભ વાળીનાથ ધામ વિકસતું રહ્યું છે. તેમણે ભારતના ઋષિકેશ સ્થિત વિખ્યાત વેદાંત ગુરુકુળ કૈલાસ આશ્રામમાં વેદાંતનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

તરભ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત વર્ષના ચાર શંકરાચાર્યોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. જેમાં ત્રણ શંકરાચાર્યોનાં પાવન પગલોનું આગમન નિશ્ચિત મનાય છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિરુદ્રના પાવન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અત્યાર સુધીમાં 11 લાખ શિવભકતો આ દિવ્ય અવસરને સાક્ષાત માણી ચુકયા છે. સામે પલ્લે, રબારી સમાજના દાનવીરોએ આ પવિત્ર ધામની ઝોળી છલકાવી દીધી છે. 68 ધર્મસ્તંભો ઉપર સુશોભિત આ મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. લંબાઈ 265 ફૂટ અને પહોંળાઈ 165 ફૂટની છે. આ મંદિરના નિર્માણ માટે 1.45 લાખ ઘનફૂટ પથ્થર વપરાયો છે. બંસી પહાડમાંથી આકાર પામેલા આ અદ્ભૂત શિવાલયની ભવ્યતાથી ભાવિકો ભાવ વિભોર બન્યા છે. આગામી બે દિવસ દરમ્યાન માનવ મહેરામણ છલકાશે. તો બીજીતરફ તરભ ધામમાં ર,000 લીટરની ચાની ટાંકી બનાવવામાં આવી છે. રોજ 15,000 લીટર દૂધની ચા બનાવાય છે. માત્ર એક કલાકમાં જ નળ ઉપર મુકવામાં આવેલી ચકલીથી 35,000 ભાવિકો ચા પી શકે છે. આવા 40 નળ લગાવવામાં આવ્યા છે અને ત્રણ કાઉન્ટર ઉભાં કરાયાં છે. બપોરે પ્રસાદ લીધા પછી છાશ માટે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વયં સેવકોએ આગવી કુનેહ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.


  • Follow us on: