રાજ્યમાં શિક્ષકોની ભરતી મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષકોની ભરતી અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મોટી જાણકારી આપી છે. તેમને કહ્યું કે 1 જુન સુધીમાં શિક્ષકોની ભરતી પૂર્ણ થશે. હાલમાં તબક્કાવાર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જુના શિક્ષકોની નિમણૂક આપી દેવામાં આવી છે. ત્યારે 11-12 માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે.
કચ્છ માટે નવી 4100 જગ્યાઓ પર ભરતી કરાશે: કુબેર ડિંડોર
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વધુમાં જણાવ્યું હતું કે કચ્છ માટે નવી 4,100 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જો કે આ શિક્ષકોએ 58 વર્ષ સુધી કચ્છમાં નોકરી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો 22 માર્ચે લીધો હતો અને જાહેરાત કરી હતી કે હવે લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ માટે મોટાપાયે ભરતી થશે, સરકાર 10,700 જગ્યાઓ માટે ભરતી કરશે. 2230 શિક્ષકોના શાળા ફાળવણી અને નિમણૂકના આદેશોની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સરકારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સરકારે શિક્ષક સહાયકો સાથે 3,187 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે.
વડોદરામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન
વડોદરામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મોટું નિવેદન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા દૂષણ છે. માતા-પિતા, શિક્ષકો, બાળકોને શિક્ષણમંત્રીએ અપીલ કરતા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. સ્માર્ટફોન રાવણરૂપી રાક્ષસ આજે ઘર ઘરમાં છે. ઘર ઘરમાં રાવણ નહીં રામ પેદા કરો. આજે બાળકને માતા કરતા મોબાઈલ વ્હાલો છે. આ પરિસ્થિત આપણા માટે ખૂબ ગંભીર છે. સરકાર ટૂંક સમયમાં આ અંગે SOP જાહેર કરશે. મોબાઈલ અને સોશિયલ મીડિયાને લઈ SOP જાહેર કરવામાં આવશે અને કોન્સેપ્ટ સ્કૂલ અંગે FRC નિયમ મુજબ પગલા ભરાશે.









