આમ તો અમરેલી જિલ્લામાં પાણીની અછત ક્યાંય પણ નથી છતાં પણ અમરેલી પાણી પુરવઠા વિભાગના કારણે કેટલાક ગામો પીવાના પાણીથી વંચિત રહે છે, છેલ્લા સાત સાત વર્ષથી ઇશ્વરીયા સુધારા યોજના નીચે અપાતું મહી નદીનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી પાણી વિના વલખા મારે છે.
મહીપરી યોજનાની પાઈપલાઈન લીકેજ છે
અમરેલી જિલ્લામાં નાના મોટા ઘણાબધા ડેમો આવેલા છે તેમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં છે, જ્યારે હાલ ઇશ્વરીયા સુધારા યોજના દ્વારા તાલુકાના કેટલાક ગામોમાં મહી નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે , પરંતુ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર છેલ્લા સાત વર્ષથી મહીપરી યોજનાની પાઈપ બે કિલોમીટરના અંતરમાં તમામ જગ્યાએ લીકેજ થઈ રહ્યું છે જેના કારણે પીવાનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે જેના કારણે આધારે 100 વિઘા જેટલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પરિણામે ખેડૂતો સાત વર્ષથી આ જમીનમાં કોઈ પણ પ્રકારની વાવણી કરી શકતા નથી અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ખારાપાટ વિસ્તારમાં તળના પાણી પીવા લાયક નથી
અમરેલી તાલુકાનો કહેવાતા ખારાપાટ વિસ્તારમાં તળના પાણી પીવા લાયક નથી, પીવા માટે સરકાર દ્વારા અપાતું મહી પરી યોજનાનું પાણી બહાર વહી જવાના કારણે આસપાસના મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, સોનારીયા, લાપાળીયા,ચાંદગઢ, સહિત પાંચ ગામો પાણી વિના વલખા મારી રહ્યા છે , અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ છેલ્લા સાત વર્ષથી ગ્રામ્ય વિસ્તારોના લોકોનું કોઈ સાંભળતું નથી ત્યારે તાત્કાલિક આ પાંચ ગામોને પાણી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
બળબળતા ઉનાળાના તાપમાં લોકો પાણી વિના શું કરે ?
આવા સવાલો મીડિયા દ્વારા અધિકારીઓને વારંવાર પૂછવામાં આવે છે પરંતુ પાણી પુરવઠા વિભાગ કેમેરા સામે આવવાથી પણ ડરી રહ્યા છે, ગ્રુપ સુધારણા યોજના નીચે ગયા વર્ષે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે પરંતુ ભ્રષ્ટ એજન્સીઓ અને તંત્રની મીલીભગત થી થયેલી કામગીરી માત્ર એક વર્ષના સમય ગાળામાં ભાંગીને ભુક્કો થઈ ગઈ અને પ્રજાન પૈસા પાણીમાં વહી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, હાલ શેત્રુંજી નદીથી લઈ મોટા ગોખરવાળા ગામ સુધીના બે કિલોમીટરના અંતરમાં પીવાના પાણી રસ્તાઓ ,ખેતરો અને નદીઓમાં વહી રહ્યું છે ,ખેડૂતોના રસ્તાઓ ઉપર ગોઠણસમાં પાણી ફરી વળ્યા છે , ધોમ ધખતા તડકામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે આ વિસ્તારમાં બેફામ પાણી વેડફાઈ રહ્યું છે, અને તંત્ર મીઠી નજરે નીચિંત થઈને જોઈ રહ્યું છે..









