- દિલ્હી એનઆઈએ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયેલા તહોમતનામા પરથી ઘટસ્ફોટ
- સુરત ઉપરાંત દિલ્હી અને અન્ય સ્થળોએ પરમાણુ હુમલા કરવા મોટાપાયે ષડ્યંત્ર ઘડાયું હતું
- બિન-મુસ્લિમોની હત્યાને વાજબી ઠરાવવા સહિતની વાંધાજનક સામગ્રીઓ ભટકલ પાસેથી મળી
દિલ્હી ખાતેની ખાસ અદાલતમાં એનઆઈએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના સહ-સ્થાપક યાસીન ભટકલ અને તેના સાથીઓ સામે દાખલ કરાયેલા તહોમતનામા પર કોર્ટે જે આદેશ આપી તારણો કાઢયા છે, તેના પરથી એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આતંકવાદીઓ સુરત-દિલ્હી સહિત ભારતમાં અનેક સ્થળે પરમાણુ બોંબથી હુમલા કરવાના ખતરનાક ઈરાદા સેવી રહ્યા હતા, એટલું જ નહીં આ હુમલા દરમિયાન જે-તે વિસ્તારના મુસ્લિમોને બચાવવા યોજના ઘડતા હતા.
આ કેસમાં યાસીન ભટકલ સહિત અન્ય 11 સામે 2012માં ભારત સામે કાવતરું કરવા બદલ આરોપનામું દાખલ કરવા આદેશ અપાયો છે. પટિયાલા હાઉસ કોર્ટના સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે, જણાવ્યું હતું કે, આરોપીઓ સુરત શહેર પર પરમાણુ હુમલો કરવા માંગતા હતા એટલું જ નહીં પણ તે દરમિયાન મુસ્લિમોને શહેરમાંથી બહાર કાઢવા યોજના કરતા હતા, જે તેમની ચેટ પરથી જણાયું છે. કોર્ટે ભટકલ ઉપરાંત દાનિશ અને તેના કેટલાક સાથીઓ સામે પણ આરોપનામું ઘડવા આદેશ આપતાં કહ્યું છે કે, તેમની સામે કામ ચલાવવા પૂરતા આધાર મળ્યા છે. આ કેસમાં ત્રણ પૂરક આરોપનામાં દાખલ કરાયા છે અને તમામ આરોપીઓની સંખ્યા 30 થાય છે.
સાક્ષીઓના નિવેદનોને ટાંકતા કોર્ટે કહ્યું હતું કે, આરોપીઓએ સમાજને અસ્થિર કરવા અને વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કાવતરું ઘડયું હતું. તેમણે દેશના જૂદા જૂદા ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે નવા સભ્યોની ભરતી કરી હતી, એટલું જ નહીં મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા હવાલા ચેનલોથી વિદેશી ભંડોળ પણ મેળવ્યું હતું. તેઓ દેશના અનેક વિસ્તારોમાં ફરીને મુસ્લિમ યુવાનોને ગુજરાતના રમખાણો, બાબરી ધ્વંસ તેમજ મુસ્લિમો પરના અન્ય કથિત અત્યાચારોને રજૂ કરીને તેમને ભડકાવવાની પ્રવૃત્તિ કરતા હતા. કોર્ટે મંઝર ઈમામ, અરિઝ ખાન અને અબ્દુલ વાહિદ અને સિદિબપ્પાને નિર્દોષ છોડી મૂક્યા છે.
બિન-મુસ્લિમોની હત્યાને વાજબી ઠરાવવા સહિતની વાંધાજનક સામગ્રીઓ ભટકલ પાસેથી મળી
ખાસ એનઆઈએ અદાલતે જણાવ્યું કે, આતંકવાદીઓની મુરાદ એવી હતી કે, પરમાણુ હુમલા કરતા પહેલાં શહેરમાંથી મુસ્લિમોને બહાર કાઢી લેવામાં આવે. ભટકલ પાસેથી મળેલા સાધનોમાંથી એવી વિગતો સાંપડી હતી જેના પરથી ફલિત થતું હતું કે, આરોપીઓ બિન-મુસ્લિમોની હત્યાને વાજબી ઠરાવવા સહિતની વાંધાજનક સામગ્રીઓ તેઓ રાખતા હતા અને તેનો પ્રચાર કરતા હતા. આ માટેના પૂરતા પૂરાવા મળ્યા હતા.
અત્યાચારની વાતો કહી ભટકલ યુવાનોને ભરમાવી આતંકવાદી જૂથમાં સામેલ કરતો હતો
ઉલટતપાસમાં જણાયું હતું કે, ભટકલ યુવાનોને ઉશ્કેરીને તેમને પ્રતિબંધિત આઈએમમાં સામેલ થવા કહેતો હતો. આ માટે તેણે પોતાના વતન ભટકલ જઈને કામગીરી કરી હતી તેમજ બિહાર દરભંગ જઈને તેમજ અંજુમન ઈજનેરી કોલેજમાં જઈને તેણે યુવાનોને જેહાદી પ્રવૃત્તિ માટે ઉશ્કેર્યા હતા. એટલું જ નહીં પણ તેણે નેપાળ જઈને માઓવાદીઓની મદદથી દારુગોળો અને શસ્ત્રો એકઠા કરવામાં મદદ કરી હતી. તેમજ ભવિષ્યની યોજનાઓ બનાવી હતી.