આજે 5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનો દ્વારા કાયદાના રક્ષણની સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરવામાં આવે છે. પોલીસ જવાનો ફરજની સાથે સાથે પોલીસ સ્ટેશન કમ્પાન્ડમાં બગીચો બનાવી લુપ્ત થતી ચકલીઓના 60 જેટલા માળા તેમજ પશુઓ માટે પાણીના હવાડા ભરવા સુધીની ફરજ નિભાવી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસની કાર્યવાહી ટ્રાફ્કિ નિયમન, ક્રાઇમ થતું અટકાવવું કે પેટ્રોલિંગ પૂરતું જ લોકો સમજતા હોય છે.કેટલાક લોકો પોલીસનું ખરાબ રીતે મૂલ્યાંકન કરતા હોય છે. પરંતુ આગથળા ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. પી.એસ.આઇ. થી માંડી પોલીસ જવાનો તેમની ફરજની સાથે સામાજીક દાયિત્વની ઉમદા કામગીરીથી લોકોના સાચા અર્થમાં મિત્ર સાબિત થયા છે.પર્યાવરણની જાળવણી, પશુ - પક્ષીઓ માટે ચણ - પાણીની વ્યવસ્થા થકી સમગ્ર વિસ્તારનું ધ્યાન ખેંચી રહ્યા છે. પોલીસ જવાનો દ્વારા પોલીસ સ્ટેશનના આગળના ભાગે સુંદર બગીચો બનાવી તેમાં ઉછરેલા 800 ઉપરાંત વૃક્ષો ઉપર 60 જેટલા લુપ્ત થતી નાની ચકલીઓ માટે માળા તેમજ પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. જેથી બગીચાનું વાતાવરણ જોઇ ચકલીઓ માળામાં ઇંડા પણ મુકવા લાગી છે અને થોડા જ સમયમાં ચકલીઓએ પોલીસ જવાનો દ્વારા મૂકવામાં આવેલા માળાઓને પોતાનું ઘર બનાવી દીધું છે. જેથી પોલીસ મથકમાં આવેલો બગીચો ચકલીઓના કોલાહલથી જીવંત બન્યો છે. આ ઉપરાંત પક્ષીઓના ચણ માટે ચબૂતરો તેમજ પશુઓને પાણી પીવા માટે પોલીસ જવાનો દ્વારા સ્વખર્ચે પાણીનો હવાડો બનાવવામાં આવ્યો છે. જેથી કેટલાક દાતાઓ દ્વારા દર મહિને પોલીસ સ્ટેશન ખાતે અનાજના કટ્ટા મોકલવામાં આવે છે. જો કોઈ વખત ચણ ખૂટે તો પોલીસ જવાનો દ્વારા સ્વ ખર્ચે જ વ્યવસ્થા કરવામાં આવે છે. તો કેટલીકવાર વધારે અનાજ આવે તો આગથળા ખાતે આવેલા ગુરુ મહારાજના મંદિર ખાતે ચણ પહોંચાડવામાં આવે છે.



  • Follow us on: