વાવ તાલુકામાં થરાદ એસટી ડેપો દ્વારા મૂકવામાં આવતી બસ રૂટોમાં દર રવિવારે ત્રણથી ચાર બસોમાં કાપ મૂકવામાં આવતા બસની રાહ જોઈ રહેલા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આખરે બસ ન મળતા મુસાફરોને પ્રાઇવેટ શટલ વાહનોમાં જોખમી મુસાફરી કરવાની ફરજ પડી હતી.
જોકે કેમ થરાદ એસટી ડેપો દ્વારા દર રવિવારે વાવ તાલુકાની બસ રૂટો કાપી રહ્યા છે. તેને લઈને અનેક શંકાઓ ઉઠવા પામી હતી.
સરહદી વાવ તાલુકા પંથકમાં હાલમાં લગ્ન સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો લગ્નની ખરીદી કરવા અર્થે વાવ શહેરમાં આવે છે પરંતુ બસ રૂટ કાપ હોઇ મુસાફરોને ભારે હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે થરાદ એસટી ડેપો દ્વારા દર રવિવારે બસ રૂટ ઉપર કાપ મૂકે છે. ગઈકાલની વાત કરવામાં આવે તો વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારમાં જતી વાવથી શેરાઉ. અસારાથી અંબાજી. વાવથી રાબડી પાદર અને પાલનપુરથી આવતી દેયપ બસ રૂટ કાપવાથી વાવ બસ સ્ટેશનમાં બસની રાહ જોઈ રહેલા મુસાફરોને ભારે હાલાકી ભગવાનો વારો આવતા એસટી નિગમ વિરુદ્ધ રોષ ઠાલવી પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. રવિવારે સ્કૂલો બંધ હોવાથી આ બસોનો કાપ મૂકવામાં આવતો હોય તો ખરીદીએ અર્થે આવતા અને લગ્ન માણવા જતા મુસાફરો કોના ભરોસે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે જવાબદાર એસટી નિગમ સત્વરે મુસાફરોને પડતી હાલાકી દૂર કરે અને તમામ બસો નિયમિત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.