જામનગરમાં મહાનગર પાલિકા દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે આવાસનું નિર્માણ કરવામાં આવે છે અને ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાના પરિવારજનો સાથે વસવાટ કરતા હોય છે, પરંતુ મોટા ઉપાડે તંત્ર આવાસ તો બનાવી આપે છે. પરંતુ આવાસ પાસેના રસ્તા બનાવવાનું તંત્ર ભૂલી જતા હોય છે તેવું ચિત્ર શહેરના રણજીતસાગર રોડ પાસે ઈવા પાર્ક પાછળ આવેલા અટલ ભવન આવાસનું છે, જ્યાં આજ દિવસ સુધી ખખડધજ રસ્તાથી આવાસના લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
મનપા દ્વારા અટલ ભવન આવાસ કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું
શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક પાછળ મનપા દ્વારા અટલ ભવન આવાસ કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આવાસ કોલોનીના બહારના તમામ રસ્તા આજ દિવસ સુધી બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જન્મી છે, આવાસના લોકો પાસેથી મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારના સરકારી ટેક્સની વસુલાત કરવામાં આવતી હોવા છતાં આવાસના રોડ-રસ્તાની હાલત બદતર કેમ તેવા સવાલો રહેવાસીઓમાં ઉઠવા પામ્યા છે.
ગંદકીનો પ્રશ્ન વધ્યો
બીજી બાજુ આ રસ્તો 5 વર્ષથી ના કરવામાં આવતા આજુબાજુની સોસાયટીના રહીશો આવાસ પાસે કચરા સહિતની નકામી વસ્તુઓ ત્યાં ખુલ્લામાં ફેંકી જાય છે અને ત્યાં ગંદકીનો પ્રશ્ન વધ્યો છે. તેને કારણે આવાસમાં જ્યાં ત્યાં કચરો ઉડીને આવે છે અને આવાસની આસપાસમાં કચરો જ કચરો નજરે ચડે છે, ત્યારે આ બાબતે જ્યારે અધિકારી સાથે વાત કરવામાં આવી, ત્યારે તેઓએ જણાવ્યું કે આ બાબત અમારા ધ્યાને આવેલી છે અને આ રોડ પરથી IOC, ગેલ અને ગેસની લાઈન પસાર થાય છે, ત્યારે સમગ્ર બાબતે કંપની પાસે આ રોડ બનાવવા માટે NOC લેવું ફરજિયાત હોય ત્યારે આ બાબતે કંપનીને જાણ કરી પત્ર વ્યવહાર કરી NOC મળશે, ત્યારે આ રોડ બનવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરી આપવામાં આવે તેવી માગ
હાલ તો આ બાબતથી આવાસના લાભાર્થીઓને કોઈપણ જાતની વાત તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેને કારણે તેઓએ છેલ્લા 5-5 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે વાત એ વાતની થાય છે કે જ્યારે આ આવાસ યોજના બનાવવામાં આવી, ત્યારે આ તમામ લાભાર્થીઓને પ્રાથમિક સુવિધા મળશે તેમ કહ્યું હતું છતાં સ્થાનિક લાભાર્થીઓને આ પ્રાથમિક સુવિધા ના મળતા તેઓ આ પરિસ્થતિથી પરેશાન થયા છે અને લોકોની માગ તંત્ર તાત્કાલિક પુરી કરી આપે તેવી માગ કરવામાં આવી છે.









