નર્મદા જિલ્લામાં આ વિસ્તારમાં હોળી તહેવારની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં મોટી સંખ્યામાં આજુબાજુના આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો હોળી પ્રગટાવ્યા બાદ ઘેરૈયા બને છે. નર્મદામાં ઘેરૈયા બનાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત્ છે. હોળી પ્રગટાવ્યા બાદ આદિવાસી લોકો ઘેરૈયા બની ઢોલ-નગારાના તાલે ઝૂમે છે. ઘેરૈયા બનવા આદિવાસી લોકો માથે મોરપંખ અને ચહેરા પશુઓના મુખોટા પહેરે છે અને કમરે મોટા-મોટા ઘુઘરા બાધી વિશેષ નૃત્ય કરે છે.


હોળી તહેવારની અનોખી ઉજવણી

દેડીયાપાડામાં આદિવાસી લોકોની વસ્તી વધારે છે. દેડીયાપાડાના સરીબાર ગામમાં બે દિવસ નહીં પરંતુ પાંચ દિવસ સુધી હોળી તહેવારની ઉજવણી થાય છે. સરીબાર ગામમાં હોળી તહેવારમાં સાંજે નહીં પરંતુ બપોરી હોળી પ્રગટાવવાની વર્ષો જૂની પરંપરા છે. આ વિસ્તારના આજુબાજુના ગામોમાંથી પણ લોકો સરીબાર ગામમાં હોળી પર્વની વિશેષ ઉજવણી કરવા આવે છે.ગ્રામજનો હોળી પ્રગટાવ્યા બાદ આદિવાસી રીત રીવાજ મુજબ હોળીની પૂજા કરે છે અને ત્યારબાદ ઢોલનગારાના વાંજિત્રો સાથે ઘેરૈયા બની નૃત્ય કરે છે. એવું માનવામાં આવે છે કે ઘેરૈયા બનનાર આદિવાસીને તેમના જીવનમાં વધુ સફળતા મળે છે. અને એટલે જ હોળી પર આ ઉજવણીમાં અંદાજે 350થી વધુ લોકો ઘેરૈયા નૃત્યુમાં ભાગ લઈ પોતાના સારા જીવનની કામના કરતા હોય છે.

ઢોલ-નગારાના તાલે નૃત્યગાન

સરીબાર ગામમાં પાંચ દિવસ સુધી હોળીની ઉજવણી ચાલે છે. જેમાં ગ્રામજનો આસપાસના વિસ્તારોમાં ફરીને ગેર ઉઘરાવે છે અને છેલ્લા દિવસે હોળી માતાની પૂજા કરી પૂર્ણાહૂતિ કરે છે. હોળી માતાની પૂજા કરતી વખતે ઘેરૈયા બનનાર તમામ આદિવાસી લોકો પોતાના પરીવાર અને કુટુંબના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. હોળી તહેવાર પર ઘેરૈયા બની નૃત્ય કરવાને લઈને માન્યતા છે. આ માન્યતા મુજબ કુદરત આપણું સારી રીતે જતન કરે છે અને તેથી તેમનો આભાર માનવા પશુઓના મહોરા સાથે વિશેષ વેશભૂષા પહેરી પરંપરાગત રીતે ઢોલ નગારાના તાલે નૃત્યગાન તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.

  • Follow us on: