સૌનો સાથ સૌનો વિકાસની નેમ વડોદરામાં ખોટી સાબિત થઈ રહી છે, શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા બની રહ્યા છે.પરંતુ છેલ્લા દોઢ વર્ષથી જેતલપુર વિસ્તારનો રોડ ખખડધજ અને બિસ્માર હોવાના કારણે બાજુમાં આવેલી હોસ્પિટલો, વેપારીઓ અને સ્થાનિકો જેતલપુરની પ્રજા પરેશાન થઈ ગઈ છે.માર્ગના સમારકામને લઈ તંત્ર નિદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે.
[[$googlead]]
અનેક રોડ ધોવાયા
શહેરમાં પુરની પરિસ્થિતિ બાદ અનેક રાજમાર્ગો ધોવાયા, ખાડા પડી ગયા અને ભુવા પણ પડ્યા હતા.કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.અનેક વિસ્તારમાં લખોટી ગગડે તેવા રોડ પણ બન્યા છે.પરંતુ કેટલાક વિસ્તારોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે તેમાં શહેરના રેલવે સ્ટેશનથી કલેકટર કચેરી તરફ જતો મુખ્ય જેતલપુર નો રોડ છેલ્લા દોઢ વર્ષથી ખખડધજ અને બિસ્માર હાલતમાં ખાડા પડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે.

વહેલી તકે રોડ બનાવવા ઉઠી માગ
આજ રોડ ઉપર હોસ્પિટલો અને ધાર્મિક સ્થળો આવેલા છે.અનેક સોસાયટીઓ પણ આવેલી છે બે બે ફૂટ ના ખાડા પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.એમ્બ્યુલન્સમાં દર્દી આવે તો પણ વધુ પરેશાન થઈ રહ્યા છે.વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે અમારા વિસ્તાર સાથે કોર્પોરેશન તંત્ર ઓરમાયુ વર્તન કરી રહ્યું છે અને દોઢ વર્ષથી રોડ રસ્તા બનાવવામાં આવતા નથી, પૂર બાદ ખાડામાં ડામર નાખી અને જતા રહ્યા તે ડામર પણ બહાર નીકળી ગયો, ખાડામાં પડતા અનેક વાહન ચાલકો ઘાયલ પણ થઈ ચૂક્યા છે ત્યારે વહેલી તકે રોડ રસ્તા બનાવવા માંગ ઉઠવા પામી છે.
1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.









