• ઉધનાના ફ્લેટમાં લઇ જઇ યુવતી સાથે અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો

  • હાથકડી અને પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેરી 5 લાખ માંગ્યા હતા
  • 4 યુવકોએ ધસી આવી પોલીસ હોવાની ઓળખ આપી સીનસપાટા કર્યા હતા

સુરતના મહિધરપુરામાં રહેતા વોચમેનને હનીટ્રેપમાં ફસાવી ઠગ ટોળકીએ બ્લેકમેઇલ કરી 69 હજાર પડાવી લીધા હતા. ઉધના પોલીસે ગુનો નોંધી નકલી પોલીસ તથા મહિલા મળી કુલ પાંચની ધરપકડ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે મહિધરપુરા ખાતે સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતો કાશીનાથ (ઉં.વ. 38, મૂળ તેલંગણા) વોચમેન તથા રત્નકલાકાર તરીકે જોબ કરે છે. છ માસ પહેલાં કાશીનાથ પત્ની સાથે પલસાણા ખાતે શેઠના ફાર્મહાઉસમાં સફાઇ કરવા ગયો હતો. બપોરે પરત ફરતી વેળા ઉધના મેઇન રોડ પર મોપેડમાં પેટ્રોલ પૂરું થઇ ગયું હતું. ધક્કો મારીને મોપેડ લઇને જતો હતો ત્યારે અજાણ્યાએ પેટ્રોલ આપી મદદ કરી હતી. તે મદદગારે પોતાનું નામ જીતુ જણાવી કાશીનાથનું પણ નામ-સરનામું, મોબાઇલ નંબર જાણી લીધું હતું. જીતુ વારંવાર કાશીનાથને કોલ કરતો હતો. દસેક દિવસ પહેલાં જીતુએ કાશીનાથને કોલ કરી મળવા બોલાવ્યો હતો.

ગત તા. 6ના રોજ તે બીઆરસી મંદિર પાસે જીતુને મળવા ગયો હતો. અહીં નજીકમાં શિશક્તિ એપાર્ટમેન્ટના આઠમા માળે જીતુ કાશીનાથને લઇ ગયો હતો. કાશીનાથને રૂમમાં બેસાડી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ દરમિયાન રૂમમાં એક યુવતી પ્રવેશી હતી. કાશીનાથ કંઇક વિચારે ત્યાં સુધીમાં 4 યુવકોએ ધસી આવી પોલીસ હોવાની ઓળખ આપી સીનસપાટા કર્યા હતા. બે યુવકોએ કમરના ભાગે હાથકડી લટકાવેલી હતી અને પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેર્યા હતા. તેઓએ કાશીનાથ સાથે બળજબરી કરી બેડ પર સૂવડાની તે યુવતી સાથે અશ્લીલ ફોટા-વીડિયો પાડી લીધા હતા.

પોલીસ કેસ કરવાની દમદાટી આપી કેસથી બચવા ૫ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ 2 લાખ માંગી કાશીનાથને માર મરાયો હતો. કાશીનાથ 50 હજાર આપવા તૈયાર થયો હતો. તેમને મેડિકલ ઇમરજન્સી હોવાનું કહી મિત્ર પાસે 50 હજાર મંગાવ્યા હતા. ત્યારબાદ એક યુવકે કાશીનાથના પર્સમાંથી પત્નીનું ક્રેડિટ કાર્ડ કાઢી લીધું હતું. પાસવર્ડ પૂછી એટીએમમાંથી 18,999 રૂપિયા ઉપાડી લઇ ધાકધમકી આપી હતી.

મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ

ભોગ બનનારા કાશીનાથે ફરિયાદ આપતા ઉધના પોલીસે અજાણ્યાઓ સામે ગુનો દાખલ કર્યો હતો. ઉધના પોલીસે જીતુ ઉર્ફે જિતેન્દ્ર ઓમપ્રકાશ શર્મા (રહે. રામેશ્વરનગર સોસાયટી, પાંડેસરા), રાજેશ ઉર્ફે રાજ શંભુ પાટીલ (રહે. સાઇદર્શન એપાર્ટમેન્ટ, ડિંડોલી), સુનીલ પુન્જુ સૂર્યવંશી (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, ડિંડોલી), જગેશ્વર ઉર્ફે રાજા રામનરેશ ચૌધરી (રહે. શિવશક્તિ એપાર્ટમેન્ટ, ઉધના) અને સુમાબેન મીરાજ શેખ (રહે. કાંસકીવાડ, ભાગળ)ની ધરપકડ કરી હતી. 

  • Follow us on: