- મોડાસા પંથકનો આઝાદીની લડતમાં સિંહફાળો રહ્યો હતો
- વર્ષ 1905માં મોડાસા પંથકમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ હતી
- મોડાસાની ચળવળમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાયો હતો
અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થાય તેના માટે દેશભરમાં ચળવળો ચાલી હતી. જેમાં મોડાસા પંથકના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા હતા. યુવાનોએ દેશ માટે કંઈ પણ કરી છૂટવાની તમન્ના રાખી દેશ માટે જાન કુરબાન કરી દેવાની પણ તૈયારીઓ રાખી હતી. અંગ્રેજોની લાઠીઓ ખાધી હતી. જેલવાસ પણ ભોગવ્યા હતા. મોડાસા પંથકના વણિકો કાપડનો ઉદ્યોગ કરતા હોવા છતાં દેશની આઝાદી માટે વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો હતો. ગામે ગામ ઉજવાતા તહેવારો દરમિયાન વિદેશી કાપડની હોળી પણ કરવામાં આવતી હતી અને અંગ્રેજો સામે ચોક્કસ પ્રકારની રણનીતિ આધારે લડત આપવામાં આવી હતી. આઝાદીના લડવૈયાઓ મોડાસા પંથકમાં સભાઓ કરતા જેના આધારે યુવાનોમાં અનોખુ જોમ પુરુ પડતુ હતુ.
1905માં સ્વદેશી ચળવળનો પાયો નખાયો હતો. તે સમયે મોડાસા અને આસપાસના પંથકના મથુરદાસ ગાંધી, જોઈતારામ ભટ્ટ, મોહનલાલ ગાંધી અને ચંદુલાલ બુટાલા જેવા યુવાનોએ આગેવાની લઈ વિદેશી કાપડ, ખાંડ અને ચીજ વસ્તુઓના બહિષ્કાર કર્યો હતો. વિદેશી વસ્તુઓના બહિષ્કારના સોગંધ ખાઈ ગામડાઓમાં આ ચળવળ ચલાવી હતી. વિદેશી કાપડનો ઉદ્યોગ વણિકોના હાથમાં હોવા છતાં આ પંથકમાં ઉજવાતા તહેવારોમાં વિદેશી માલની હોળી કરી ઉજવણી કરવામાં આવી હતી. અંગ્રેજો સામેનુ અહિંસક આંદોલન દિવસે-દિવસે વેગવંતુ બની રહ્યું હતું. દરમિયાન 1920માં નાગપુર ખાતે અધિવેશન મળ્યું હતું,જેમાં ગાંધીજીએ નોકરીઓના બહિષ્કારની અપીલ કરી હતી.
બાપુનો આ બોલ ઝીલી લઈ મોડાસા પંથકના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી, મોહનલાલ ગાંધી, પુરષોત્તમ શાહ, રમણલાલ સોની અને સુરજીભાઈ સોલંકી સહિતના આગેવાનોએ સરકારી નોકરીઓ છોડી દીધી હતી. મીઠાના કાયદા સામે સત્યાગ્રહ શરૂ થયો ત્યારે દાંડી, ધોલેરા, રાણપુર જેવા સ્થળોએ જઈ સત્યાગ્રહ કરી બિનજકાતી સબરસ (મીઠુ) લાવી ગામડાઓમાં વહેંચી આ વિસ્તારના સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી. ધોલેરાની ખાડીનુ મીઠુ વેચવા મોડાસામાં સભા યોજાઈ ત્યારે અંગ્રેજોએ લાઠી ચાર્જ કરી મહિલાઓ અને બાળકોને પણ ઘાયલ કર્યા હતા. સ્વદેશી ચળવળ હેઠળ 1922-23ના સમયમાં મોડાસામાં જ 240 રેટિયા વસાવી સ્વદેશી ભંડાર શરૂ કરવામાં આવ્યો હતો અને આ જ કાપડનો ઉપયોગ શરૂ કરી વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
સરદાર પટેલે મોડાસામાં સભા કરી આઝાદીનો લલકાર કર્યો હતો
મોડાસા ખાતે 9 માર્ચ 1921ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી માટે લલકાર કરી કહ્યું હતું કે, જો દેશની ઈજ્જત સાચવવી હોય તો આપણા દેશમાં આપણુ રાજ જોઈએ. ફ્રેન્ચ લોકો ફ્રાન્સ ઉપર રાજ કરે, જર્મન લોકો જર્મની ઉપર રાજ કરે, ઈટાલીના લોકો ઈટાલી ઉપર રાજ કરે... તેમ હિંદના લોકો હિંદ ઉપર રાજ કરે...એટલું જ આપણે જોઈએ છે. યુવાનોને આઝાદીની લડતમાં જોડવા કહ્યું હતું કે, મરવાનુ એક જ વખત છે, માટે ડર કાઢી નાખો. જે ઘડીએ તમે નીડર થયા તે વખતે તમે સ્વતંત્ર છો. આપણે આપણુ કર્તવ્ય ભૂલ્યા, તેથી હિંદની આવી દશા થઈ છે. અંગ્રેજો આવ્યા તે પહેલાં અહીં જોઈએ તેટલુ કાપડ મળતું હતું. આજે અહીંથી કપાસ જાય અને ત્યાંથી કાપડ બનીને સાત હજાર ગાઉ ફરીને આપણી પાસે આવે. આમાં આપણા કરોડો રૂપિયા દર વર્ષે જાય છે અને આપણે ભિખારી બનીએ છીએ.સ્વદેશી ચળવળ હેઠળ 1922-23ના સમયમાં મોડાસામાં જ 240 રેટિયા વસાવી સ્વદેશી ભંડાર શરૂ કરાયો હતો ધોલેરાની ખાડીનું મીઠું વેચવા મોડાસામાં સભા વખતે અંગ્રેજોએ મહિલાઓ-બાળકો પર લાઠીચાર્જ કર્યો હતો આઝાદી માટે સરકારી નોકરીઓ છોડી, બિનજકાતી સબરસ લાવી ગામોમાં વહેંચી અંગ્રેજોને લડત આપી