• બે દિવસમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ઊંચકાતા દિવસે ગરમીનો અહેસાસ

  • અમદાવાદનું મહત્તમ તાપમાન 26 ડિગ્રીથી વધીને 30.4, રાજકોટ 33.1 ડિગ્રી થયું
  • આ સિવાય કંડલામાં 9.8 અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં અત્યારે માત્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જ શિયાળાની કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અચાનક જ ઠંડીનું જોર ઘટી ગયું છે ત્યારે બીજી તરફ કચ્છ પંથકમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા લોકો ધ્રૂજી ઊઠયાં છે. કચ્છના નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન થઈ જતા ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થયો છે. આ સિવાય કંડલામાં 9.8 અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્ત્વની વાત તો એ છે કે, અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રી જેટલો ઊંચકાતા દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન બે દિવસમાં 26 ડિગ્રીથી વધી 30.4 ડિગ્રી જ્યારે રાજકોટનું 27.6 ડિગ્રીથી વધીને 33.1 ડિગ્રીએ પહોંચી ગયું છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. બુધવારના રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયુ હતુ. આ સિવાય ડીસાનું 26.4 ડિગ્રી, ગાંધીનગરનું 26.4 ડિગ્રી, ભુજનું 25.2, નલિયાનું 25.6, કંડલાનું 25.6 ડિગ્રી તેમજ રાજકોટનું 27.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે આજે માત્ર બે જ દિવસમાં વધીને અમદાવાદનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી થઈ ગયું છે. આ સિવાય ડીસાનું 29.7 ડિગ્રી, ગાંધીનગરનું 29.6 ડિગ્રી, ભુજનું 30.1, નલિયાનું 29.6, કંડલાનું 29 ડિગ્રી તેમજ રાજકોટનું લઘુતમ તાપમાન વધીને 33.1 ડિગ્રીએ પહોંચી ગયું છે.


  • Follow us on: