રાજકોટમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમા 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપના આરોપીઓના ઘર તોડી પડાયા છે, આજે વહેલી સવારથી તંત્રએ સપાટો બોલાવ્યો છે અને કોર્પોરેશન, પોલીસ, અને પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.
લુખ્ખાઓના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર
રાજકોટમાં લુખ્ખાઓના ગેરકાયદે બાંધકામ તોડવા માટે તંત્રની ટીમ વહેલી સવારથી પહોંચી ગઈ છે, જેમાં આજે 6.52 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, મહિનાથી ગેરકાયદે મકાનો તોડી પાડવા માટે સરવે કરાયો હતો અને આજે વહેલી સવારથી જેસીબી મશીન સાથે તંત્ર પહોંચી ગયું છે અને આરોપીના પરિવારના સભ્યોને ઘરની બહાર સામાન સાથે કાઢવામાં આવી રહ્યાં છે.
પોરબંદરમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા
પોરબંદર તાલુકા ઘેડના દેળોદર ગામે સતત ચાર દિવસ પોરબંદર મામલતદાર ગ્રામ્યની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી બિનખેતી તથા ખેતી વિષયક મળી કુલ ૮૭ દબાણદારો દ્વારા કરાયેલી સરકારી ૫૮૦૮૭૬-૦૦ ચો.મી. જમીન ઉપર બે જેશીબી મશીન દ્વારા પેસકાદમી (દબાણ) થયેલી જમીન ખુલ્લી કરાવાઈ છે. જેની સઘળી બજાર કિંમત આશરે રૂ.૧૨,૮૪,૪૯,૮૦૦ જેવી થાય છે. પોરબંદર ગ્રામ્ય મામલતદાર દ્વારા તાલુકાના ઘેડ વિસ્તાર માં પ્રથમ ઓડદર ગામેથી દબાણ હટાવવા ની ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત પોરબંદર તાલુકાના દેળોદર ગામની સરકારી જમીનમાં કરવામાં આવેલ બિનખેતી તથા ખેતી વિષયક દબાણ દૂર કરવાની ચાલી રહેલ કામગીરીમાં ગઈ કાલે છેલ્લા દિવસે બાકી રહેલ તમામ દબાણ દારોના દબાણ દૂર કરવામાં આવેલ.









