• કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ 2023 રજૂ કરશે
  • બજેટમાં પગારદાર વર્ગને અનેક મોરચે રાહત મળવાની આશા
  • મેનુફેક્ચરિંગ યુનિટ માટે સબસિડીની વિવિધ નવી યોજનાઓ આવે તેવી આશા

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ 2023 રજૂ કરશે. આ બજેટમાં પગારદાર વર્ગને અનેક મોરચે રાહત મળવાની આશા છે. નિષ્ણાતોના મતે નાણામંત્રી બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને પગારદાર વ્યક્તિને રાહત આપી શકે છે. કારણ કે, 2014થી ટેક્સ મુક્તિ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સામાન્ય બજેટ વિશે પ્રતિભાવ આપતા બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સના ચેરમેન CMA મિહિર વ્યાસે જણાવ્યું હતું કે, સરકાર આ બજેટમાં આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય પણ લઈ શકે છે. 2014થી અર્થતંત્રમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી આવી છે, ટેક્સ કલેક્શન વધ્યું છે. પરંતુ, ત્યારપછી એક વસ્તુ જેને સરકારે આજ સુધી સ્પર્શી નથી તે છે ટેક્સ સ્લેબ. બજેટ 2023માં બેઝિક ઇન્કમ ટેક્સ સ્લેબ વધારીને રૂ. 5 લાખ કરી શકાય છે અને સૌથી વધુ સ્લેબ રૂ. 20 લાખની અપેક્ષા છે. 2022માં ફુગાવામાં ઝડપી વધારાને કારણે મધ્યમ વર્ગના કરદાતાઓ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે. કરદાતાઓને મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે, આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, ઑટોમોબાઇલ અને ફાર્મા સેક્ટરનું PLI સ્કીમમાં આવરી લેવામા આવશે એવું અનુમાન છે.

લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG) માટે હોલ્ડિંગ હવે 12 મહિનાથી વધુ છે. જેમાં શેરબજારમાંથી વાર્ષિક 1 લાખ રૂપિયાની આવક પર ટેક્સ લાગે છે. આ લિમિટેડને વધારીને બે લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા કરવી જોઈએ. તેનાથી લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન મળશે.

નવી આવકવેરા વ્યવસ્થામાં કોઈપણ સાનુકૂળ ફેરફારો સ્થાનિક શેરબજારોને પ્રોત્સાહન આપી શકે છે

પર્સિસ્ટન્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ઓનર ભાર્ગવ પંડ્યાએ કહ્યું છે કે છેલ્લા બે મહિનાથી બજાર નબળું છે કારણ કે બજારો કેપિટલ ગેઈન ટેક્સેશન અંગેની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં કોઈપણ સકારાત્મક ફેરફારો શેરબજારોને જંગી પ્રોત્સાહન આપશે.

રિયલ એસ્ટેટ અથવા બેંકિંગ જેવા ક્ષેત્રો માટે ફાયદાકારક જાહેરાતો પણ મોટી સંખ્યામાં શેરો પર હકારાત્મક અસર કરશે. જો નાણાપ્રધાન આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર અથવા મુક્તિ મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરે તો બજારો વધુ મોટી ઉલ્લાસ જોઈ શકે છે. નવી આવકવેરા વ્યવસ્થામાં કોઈપણ સાનુકૂળ ફેરફારો સ્થાનિક શેરબજારોને પ્રોત્સાહન આપી શકે છે. કોઈપણ કોર્પોરેટ ટેક્સમાં ફેરફાર, જોકે આ વખતે બજેટમાં અસંભવિત છે, તે શેરબજારના રોકાણકારોને પણ આરામ આપશે.

ગૃહિણીઓની આશા જીવનજરૂરિયાતની વસ્તુઓ વ્યાજબી ધોરણે મળે

અવસરા કન્સલ્ટિંગના ફાઉન્ડર છાયા પરમારે જણાવ્યું છે કે આ વખતે બજેટ 2023 પ્રત્યે ઘણી અપેક્ષાઓ છે. સૌપ્રથમ એક ગૃહિણી તરીકે આશા છે કે રોજબરોજની જીવનજરૂરિયાતની વસ્તુઓ વ્યાજબી ભાવે મળે અને ઘર ચલાવવું સરળ બને. પેટ્રોલ અને ગૅસના ભાવમાં ઘટાડો કરી શકાય. આવનાર યુવાપેઢી આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે જેમના માટે શિક્ષણ ફીમાં રાહત આપી શકાય. નોકરિયાત વર્ગ માટે ઈન્ક્મ ટેક્સમાં રૂ. 5 લાખની આવક સુધી છૂટ તથા રોકાણ માટેની મર્યાદામાં વધારો થવો જોઈએ. એક વુમન આંત્રપ્રેન્યોર તરીકે, આશા છે કે વધુને વધુ સ્ત્રી આગળ આવે. સ્ટાર્ટ -અપ અને વુમન આંત્રપ્રેન્યોર માટે સરકારના પ્રયાસો પ્રસંશનીય છે પરંતુ હજી વધુ પ્રોત્સાહનની જરૂર છે.

મેનુફેક્ચરિંગ યુનિટ માટે સબસિડીની વિવિધ નવી યોજનાઓ આવે તેવી આશા

ICSI વડોદરા ચેપ્ટરના ચેરમેન CS અંકુર સોમાનીએ જણાવ્યું છે કે આ વખતે સરકાર GST ની સિસ્ટમ હજુ સરળ બનશે તેવી આશા છે. સરકાર એક્સપોર્ટ ઈન્સન્ટિવે એન્ડ MSME ને પ્રોત્સાહન આપવા ઘણી યોજનાવો લાવી શકે છે અને આત્મનિર્ભર ભારતની દરેક યોજનામાં આગળ વધવા સક્રિય કાર્ય કરી શકે છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની MCA - V 3 પોર્ટલ અમલમાં મુકવામાં આવ્યું છે એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ CSR પર પણ કોઈ નવી પોલિસી આવી શકે છે. મેનુફેક્ચરિંગ યુનિટ માટે સબસિડીની વિવિધ નવી યોજનાઓ આવે તેવી પણ આશા છે.


  • Follow us on: