• ‘આગામી દિવસોમાં કેટલો વરસાદ પડે છે તે જોઈ સર્વે કરાશે’
  • આગામી દિવસોમાં ખેડૂતોની પડખે રહીશું: બચુ ખાબડ
  • ‘સર્વેમાં જે નિર્ણય આવશે તેની મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું’
છેલ્લા બે દિવસમાં રાજ્યમાં આવેલા કમોસમી વરસાદના કારણે લાખો ટન તૈયાર અનાજને નુકસાન પહોંચવાની ભીતિ રહેલી છે. તેમજ ઘણાં વિસ્તારોમાં તૈયાર પાક અને હજી શિયાળા માટે વાવણી થયેલા પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ વચ્ચે સરકાર દ્વારા પણ આગામી દિવસોમાં સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની તૈયારી કરવામાં આવી રહેલી છે. જેના અંગે રાજ્યકક્ષાના કૃષિ મંત્રીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના સર્વેમાં જે પણ નિર્ણય આવશે તેની મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું અને ખેડૂતોને મદદ કરીશું.

રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિમંત્રી બચુભાઇ ખાબડ નું પાક નુકસાન ને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હજી તો વરસાદની ગઈકાલે જ શરૂઆત થઈ છે. તેમજ આગામી દિવસોમાં કેવી સ્થિતિ રહેશે તેના આધારે સર્વે કરવામાં આવશે. સરકાર આગામી દિવસોમાં ખેડૂતોની પડખે રહેશે.

આ તરફ ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે.

તેમજ વિદેશ પ્રવાસ પર રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે. આ સિવાય પણ ખેડૂતોને ઉભા પાકની સામે વળતર આપવાની માંગ કરતો પત્ર પણ કડીના ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા લખવામાં આવ્યો હતો. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર તેમણે પત્ર લખ્યો હતો.
  • Follow us on: