- 2019માં 9 ફૂડ સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવા સિવાય કોઈ કામ નહીં
- સ્કૂલ કેન્ટીનના લાયસન્સ, ફૂડ સેમ્પલની નિયમિત ચકાસણીની માગ
- શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્ન ઉભો થયો
AMC હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા છેલ્લાં 13 વર્ષમાં શહેરની ખાનગી શાળાઓની કેન્ટીનો પૈકી 9 કેન્ટીનમાંથી જ ફૂડ સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે અને આ 8 ફૂડ સેમ્પલ પ્રમાણિત અને એક જ ફૂડ સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા છે. નવાઈ પમાડે એવી વાત તો એ છે કે, છેલ્લાં 13 વર્ષમાં ફક્ત 2019ના વર્ષમાં જ સ્કૂલોની કેન્ટીનોમાંથી 9 ફૂડ સેમ્પલ ચકાસણી માટે લેવાયા હતા અને તે સિવાયના વર્ષોમાં અગમ્ય કારણોસર સ્કુલ કેન્ટીનોમાંથી એક પણ ફૂડ સેમ્પલ લેવાયા ન હોવાનું જાણવા મળેછે. આમ, હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા ખાનગી શાળાઓની કેન્ટીનોમાંથી ફૂડ સેમ્પલ લેવાની કામગીરી પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. શાળાઓમાં ચાલતી કેન્ટીનોમાં વેચાતાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના આરોગ્યને હાનિ ન પહોંચે અને શાળામાં લાયસન્સ વગર ધંધો કરતી કેન્ટીનના માલિકો સામે કાર્યવાહી કરવા અને આવી કેન્ટીનો સીલ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. કોર્પોરેશનના ફૂડ વિભાગની બેદરકારીના કારણે શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદમાં સરકારી, અર્ધ સરકારી, ખાનગી તથા અન્ય મળી અંદાજે 800 કરતા વધુ સ્કૂલો આવેલી છે અને તે પૈકી 80 ટકા સ્કૂલોમાં કેન્ટીન કાર્યરત છે. સ્કૂલોમાં કેન્ટીન કાર્યરત હોવા છતાં તેમાંથી ફૂડના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવતા નથી. એટલું જ નહીં પરંતુ, સ્કૂલોની કેન્ટીનોમાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ સર્ટિફીકેટ કે લાયસન્સ અંગેની પણ તપાસ કરવામાં આવતી નથી. આ તમામ માહિતી રાઈટ ટુ ઈર્ન્ફ્મેશન એક્ટ અંતર્ગત સામે આવી હોવાનું જાણવા મળે છે. AMC ફૂડ ઓફી સરો શાળામાં ચાલતી કેન્ટીનમાં ઈન્સ્પેક્શન કરવા જતા નથી. છેલ્લા 13 વર્ષમાં શાળાની એક પણ કેન્ટીનના માલિકને એક પણ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો નથી, કે એક પણ લાયસન્સ રદ કરવામાં આવ્યું નથી.










