• મયુર અને વિક્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી
  • મયુર સાથે ઝઘડો થયા બાદ પત્ની કાજલ ગરબે રમવા માટે ચાલી ગઈ
  • કાજલ અને મયુરના વૈવાહિક જીવન દરમિયાન એક પુત્ર છે

સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે ગૃહકંકાસને પગલે સાળાએ જ સગા બનેવીને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી દંપતિ વચ્ચે ચાલી રહેલા ખટરાગને કારણે કંટાળેલા સાળાએ સોમવારે મોડી રાત્રે પોતાના બનેવીને ચપ્પુના ઉપરા-છાપરી ઘા ઝીંકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.


[[$googlead]]

[[$alsoread]]

મયુર અને વિક્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી

સુરતના રાંદેર રોડ પર આવેલા પાલનપુર પાટિયા ખાતે હિમગીરી એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય મયુર પ્રવિણ રાઠોડના લગ્ન ભરૂચ ખાતે ઝઘડિયા ચોકડી ખાતે રહેતી કાજલ સાથે થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી કાજલ અને મયુર વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડો થતો હતો. અલબત્ત, હાલમાં નવરાત્રીના તહેવારને પગલે મયુર રાઠોડનો સાળો વિક્કી પણ પાલનપુર પાટિયા ખાતે આવ્યો હતો. આ દરમિયાન ગત રોજ મયુર અને કાજલ વચ્ચે વધુ એક વાર બોલાચાલી થતાં મયુરે કાજલને માર મારતાં વિક્કીએ મધ્યસ્થી કરી હતી અને બનેવી મયુરને આ રીતે પોતાની બહેન પર હાથ ન ઉઠાવવા અંગે જણાવ્યું હતું. જેને પગલે મયુર અને વિક્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.

મયુર સાથે ઝઘડો થયા બાદ પત્ની કાજલ ગરબે રમવા માટે ચાલી ગઈ

મયુર સાથે ઝઘડો થયા બાદ પત્ની કાજલ ગરબે રમવા માટે ચાલી ગઈ હતી અને બીજી તરફ ક્રોધે ભરાયેલા વિક્કીએ પોતાના જ બનેવી મયુરનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું, ઘરમાં નિદ્રાધીન મયુર પર ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી ને મયુર નાસી છૂટ્યો હતો. મોડી રાત્રે ગરબા રમ્યા બાદ કાજલ જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેણે મયુરનો મૃતદેહ લોહીથી લથપથ જોતાં જ અવાક બની ગઈ હતી. તાત્કાલિક ઘટના અંગે રાંદેર પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસ દ્વારા મૃતક મયુરના પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવાની સાથે સાથે પ્રાથમિક ફરિયાદના આધારે હત્યારા વિક્કીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

મયુર પરસ્ત્રીના પ્રેમમાં આંધળો થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું

છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારનો કામ ધંધો ન કરનાર મયુર પરસ્ત્રીના પ્રેમમાં આંધળો થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અન્ય મહિલાના સાથે પ્રેમ પ્રકરણને કારણે જ તે અવાર-નવાર કાજલ સાથે ઝઘડો કરતો હતો અને આવેશમાં આવીને તેના પર હુમલો કરતો હતો. કાજલ અને મયુરના વૈવાહિક જીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો અને હાલમાં કાજલ ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, મયુરના મોતને પગલે ગર્ભવતી કાજલ પર આભ તુટી પડ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. સાળા દ્વારા બનેવીની હત્યા કરી નાખવામાં આવતા સગી બહેનને વિધવા કરનારો અન્ય કોઈ નહીં એનો ભાઈ નીકળ્યો છે.

  • Follow us on: