- ઘોઘા રો-રો ફેરીનું જહાજ ખોટકાયું
- મધદરિયે જહાજ ઉભું રહી જતાં મુસાફરોને હાલાકી
- બે કલાકના વિક્ષેપ બાદ ફરી શરૂ કરાઈ સર્વિસ
ગુજરાતના બે સામસામા કાંઠા વિસ્તારોને જોડતી લાઈફલાઈન સમાન ઘોઘા દહેજ રો-રો ફેરી ફરીથી એકવાર મધદરિયે ખોટકાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 1 કલાક કરતા પણ વધુ સમયથી જહાજ મધદરિયે ખોટકાતા અંદર રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘોઘાથી હજીરા જઇ રહેલી રો-રો ફેરી આજે બે કલાકના વિક્ષેપ બાદ ફરી શરુ થઇ હતી. ઘોઘાથી આજે સાંજે 5:45 કલાકે હજીરા જવા નીકળેલી ફેરી વળાંક લેતા સમયે પોતાની નિયત ચેનલથી દૂર થઇ હતી. 7:40 વાગ્યે ભરતીનું પાણી ભરાવાનું શરુ થયું છે અને રાત્રે નવ વાગ્યા સુધીમાં ફેરી હજીરા તરફ રવાના થશે. હાલ વ્યવસ્થાના ભાગરુપે ફેરી આસપાસ બે ટગ બોટ રાખવામાં આવી છે. પ્રવાસ કરી રહેલા તમામ મુસાફરો સલામત છે. જિલ્લા વહીવટી તંત્ર ફેરી સંચાલક કંપની સાથે સતત સંપર્કમાં છે. પોર્ટ ઓફિસર અને ઘોઘાના મામલતદાર સ્થળ પર પહોંચી રહ્યા હતા. ગુજરાત મેરિટાઇમ બોર્ડ પણ આ બનાવ અંગે સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
મહત્વનું છે કે આ પહેલીવાર નથી કે જ્યારે ઘોઘા દહેજ રો-રો ફેરીનું જહાજ મધદરિયે ફસાયું હોય. આ પહેલા પણ અનેકવાર આવી જ ઘટનાઓ બની ચૂકી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ ઘણાં બધાં અવરોધો વચ્ચે તત્કાલીન સીએમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં હસ્તે ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે પણ રો રો ફેરીનું જહાજ મધદરિયે બંધ પડ્યું હતું. પેસેન્જર અને વાહનો ભરેલું જહાજ ટેકનિકલ ક્ષતિના કારણે બંધ પડી જતાં તેમાં સવાર મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતાં.
આ મામલે જહાજની અંદર રહેલા લોકોએ વીડિયો પણ શૂટ કરીને તેમના સગાવ્હાલાઓને મોકલ્યા હતા. તેમના ચહેરા પરથી જણાતું હતું કે મુસાફરોનો જીવ જહાજ મધદરિયે થોભી જતાં તાળવે ચોંટી ગયો હતો. જહાજની સાથે તેમાં અમુક વાહનો પણ હતા, જેને લઈને મુસાફરોમાં ટેન્શન ઓર વધી હતી. પરંતુ અત્યારની જાણકારી પ્રમાણે ભરતીનું પાણી ફરી ભરાતા બે કલાકના વિક્ષેપ બાદ આખરે આ સર્વિસને ફરીથી શરૂ કરવામાં આવી હતી. જહાજને ખેંચવા માટે બે ટગ નૌકાઓને પણ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.









