- અમદાવાદમાં હવે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એમડી ડ્રગ્સ
- આરોપી દુકાનમાં જાહેરમાં વેચતો હતો ડ્રગ્સ
- અમદાવાદ SOGએ આરોપીને ઝડપી બાપુનગર પોલીસને સોપ્યો
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ SOG ક્રાઈમ બ્રાન્ચે કરી છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં યુવક-યુવતીઓને ડ્રગ્સ વેચવાનો આખો કારોબાર ચાલે છે. તેમાં ફરી એક વખત SOGને સફળતા મળતા ગુનેગારોની મેલી મુરાદ પૂરી થઈ નથી અને ડ્રગ્સ ડિલિવરી થાય તે પહેલા જ ડ્રગ્સ પકડાઈ જતા યુવાનો તેના બંધાણી બનતા પહેલા બચી ગયા છે. આ સમગ્ર રેકેટમાં કોણ રિસિવર હતું અને કયાં ડ્રગ્સ કઈ રીતે પહોંચાડવાનું હતું તે જાણવા માટે પણ SOG દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
એક આરોપીની ધરપકડ
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ સુમેલ-8 કોમ્પલેક્ષસની એક દુકાનમાં દરોડા પાડીને SOG એ એમડી ડ્રગ્સ સાથે દુકાનદારની ધરપકડ કરી છે. પોલીસને દુકાન માંથી 8 લાખથી વધુની કિંમતનું 82.250 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ડ્રગ્સનો ધંધો કરતા મોહમ્મદ સલીમ મોહંમદ હનીફ શેખ નામના ઈસમની ધરપકડ કરી છે.

આરોપી અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં બાપુનગરમાં ઝડપાઈ ચૂકયો છે. પકડાયેલો આરોપીએ રાજસ્થાનના ભરત નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવી છેલ્લા 6 મહિનાથી પોતાની દુકાનમાં ડ્રગ્સ રાખી ગ્રાહકોને વેચતો હતો. જોકે દુકાનની આસપાસમાં રહેતા અમુક લોકો કાયમ માટે તે દુકાનમાંથી જ ડ્રગ્સ ખરીદતા હતા. દુકાનદાર પણ પોતાના બંધાયેલા ગ્રાહકો સિવાય અન્ય કોઈ અજાણી વ્યક્તિને ડ્રગ્સ વેચતો નહીં. જેથી કરી તે પોલીસ થઈ પણ બચી શકતો હતો.

દુકાનમાં વેચતો છૂટક વસ્તુઓ
દુકાનદાર છૂટક વસ્તુઓ વેચતો હતો.પરંતુ તેમાં જરૂર મુજબ રૂપિયા નહીં મળતા તેણે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. જો કે હવે પોલીસ ડ્રગ્સ સપ્લાયર રાજસ્થાનના વ્યક્તિની શોધખોળ હાથ ધરી રહી છે.અને અન્ય કોઈ જગ્યા પર દુકાનદાર ડ્રગ્સ સપ્લાય કરતો કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.