આજે રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આઝાદીનો અમૃત લોકમેળો 2022નો શુભારંભ કરાવવામાં આવ્યો છે. સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચકડોળમાં બેસી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે મહાનુભાવો પણ જોડાયા હતા.


આ પ્રસંગે રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા રૂ. 51 લાખનો ચેક સીએમ રાહત ફંડ માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે, કે રાજકોટના લોકમેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ લોકમેળો યોજાઈ રહ્યો હોવાથી સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે લોકોમાં જબરો ઉત્સાહ છવાઈ જવા મળ્યો છે.

મેળાની સુરક્ષા માટે ખડે પગે રહેશે પોલીસ વિભાગ

મેળામાં સુરક્ષાને લઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકમેળાના ગ્રાઉન્ડને 6 સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. દરેક સેક્ટરમાં PSI ઇન્ચાર્જ રહી બંદોબસ્તનું નિરીક્ષણ કરશે. CCTV કેમેરાનો નવો પ્રયોગ કરવામાં આવશે. જેમાં કોઈ ગુનેગાર જોવા મળશે તો તુરંત પોલીસને CCTV મારફત ખબર પડશે. ગુમ થયેલા બાળકોના ફોટા મોટી સ્ક્રિન પર દેખાડવામાં આવશે. 18 જેટલા પ્લોટ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણેય DCP, ACP, PI, PSI મળી કુલ 1550 જેટલા જવાનો ખડેપગે રહેશે.


મેળા માટે લેવાયો છે 4 કરોડનો વીમો

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી લોકમેળાની તૈયારીઓ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. લોકમેળાનો આજથી રંગારંગ પ્રારંભ થતા જ લોકો તહેવારોના મૂડમાં આવી ગયા હતા. લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રૂપિયા ચાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રુમ, 10 વોચ ટાવર કાર્યરત કરાયા છે.

બાળકોને મળી રહેશે જોરદાર મનોરંજન, છે અનેક રાઇડ્સ

લોકમેળામાં બાળકો અને 54 ચિલ્ડ્રન રાઈડ્સ, 33 મોટી ફનરાઇડ્સ, 4 મધ્યમ કક્ષાની રાઈડ્સ, પાંચ જેટલા મોતના કૂવા, 14 ખાણીપીણીના સ્ટોલ, બે ફૂડ કોર્ટ, 16 આઈસ્ક્રીમના સ્ટોલ, 210 રમકડાના સ્ટોલ, 30 જેટલી સરકારી સંસ્થાઓના સ્ટોલ, અને 2 કોરોના ટેસ્ટીંગ બૂથ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત વેક્સિનેશન માટે ખાસ બુથ પણ પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલ છે. જેના પરથી લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ અપાશે.



  • Follow us on: