• પીપળજ પાસે 203 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો હતો

  • વધુ બે આરોપીની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ મંજૂર
  • ત્રણેય આરોપીઓ જેલમાં મળ્યા ત્યારે મિત્રતા થઇ હતી

શહેરના પીપળજ પાસે ગત, 26 ઑગસ્ટના રોજ એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે રૂ. 20.36 લાખ કિમંતનું એમડી ડ્રગ્સનો 203.61 ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આરોપી પૂછપરછમાં અન્ય બે વ્યકિતના નામો ખુલતા ક્રાઇમ બ્રાન્ચે બન્નેની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ જેલમાં મળ્યા ત્યારે મિત્રતા થઇ હતી. જેથી ત્રણેય જેલમાં છૂટયા પછી મોટાપાયે ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હોવાનું કબૂલ્યું છે. બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યા છે.

પીપળજ - પીરાણા રોડ પરથી એક વ્યકિત એમડી ડ્રગ્સનો મોટાપ્રમાણમાં જથ્થો લઇને નિકળવાનો હોવાની બાતમી ગત, 26 ઑગસ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને શંકાસ્પદ લાગતા ડાયાલાલ દેવેંગ પટેલ નામના વ્યકિતને ઉભો રાખીને તપાસતા તેની પાસેથી 203.61 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિમંત 20.36 લાખ થાય છે. આરોપી ડાયાલાલની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા તેણે કહ્યુ કે, આ ડ્રગ્સ મારૂકહુસૈન અબદાલ મારફતે ઇમરાનખાન ઉર્ફે ઠાકડીને આપવાનું હતુ. આથી ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક બન્ને આરોપીઓની શોધખોળ કરતા બન્ને આરોપીઓ અમદાવાદમાંથી જ મળી આવ્યા હતા. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્રણેય આરોપીએ કબૂલ્યું કે, ડાયાલાલ દેવેંગ પટેલ અને મારૂકહુસૈન ઉર્ફે લલ્લો અખ્તરહુસૈન અબદાલ બન્ને વર્ષ 2022માં નાર્કોટિક્સના ગુનામાં સાબરમતિ જેલમાં બંધ હતા. આ દરમ્યાન ગુજસીટોકના ગુનાનો આરોપી ઇમરાનખાન સાથે પરિચય થયા બાદ ત્રણેય મિત્રો બન્યા હતા. ત્રણેય જેલમાંથી છૂટયા બાદ મોટાપાયે શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા હતા. ઇમરાનખાને ડ્રગ્સ મંગાવવા માટે મારૂકહુસૈન ઉર્ફે લલ્લોને 30 હજાર રૂપિયા આપ્યા હતા. જેથી મારૂકહુસૈને એમડી ડ્રગ્સ ડાયાલાલ સાથે મંગાવ્યુ હતુ પરંતુ ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા આરોપી ડાયાલાલ પકડાઇ ગયો હતો. ત્રણેય આરોપીઓ સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે.


  • Follow us on: