રાજકોટમાં ઉનાળા દરમિયાન પાણી મુદ્દે કકળાટ જોવા મળી શકે છે. શહેરમાં ભરઉનાળે પાણીની અછત સર્જાઈ શકે તેવા એંધાણના વરતારા જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનાથી જ રાજ્યભરમાં ગરમીનો આકરો તાપ શરૂ થઈ ગયો છે. ત્યારે ગરમીમાં વધુ જરૂરી એવું પાણી શહેરીજનો માટે આફતરૂપ બની શકે છે. ઉનાળામાં લોકોને પાણીની સમસ્યાનો સામનો ના કરવો પડે માટે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા એક્સપ્રેસ ફીડર લાઈનથી પીવાના પાણી માટે વ્યવસ્થા કરવા રાજકોટ કોર્પોરેશન દ્વારા તૈયારી હાથ ધરાઈ છે.
ઉનાળાની સિઝનમાં જ પાણીની તંગી
રાજકોટમાં ઉનાળાની સિઝનમાં જ પાણીની તંગી સર્જાય તેવી ભીતિ છે. એપ્રિલ મહિનાના આરંભથી જ શહેરીજનોને નર્મદાનું પાણી મળવાનું બંધ થશે . નર્મદા કેનાલનું રિપેરીંગનું કામ ચાલતુ હોવાથી આગામી એપ્રિલ મહિનાથી લોકોને પાઈપલાઈનથી પાણી નહીં મળી શકે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટવાસીઓની પાણીના જથ્થાની દૈનિક જરૂરિયાત 350 MLDની સામે હાલ 125 MLD પાણીનો જથ્થો મળે છે. પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા હાલ પુરતું આજી ન્યારી ડેમમાંથી મોટાપ્રમાણમાં પાણી ઉપાડી વિતરણ કરવામાં આવા છે. મનપા દ્વારા દૈનિક વપરાશની જરૂરિયાતની માગ પૂર્ણ કરવા નર્મદા કેનાલની રીપેરીંગનું કામ હાથ ધરાયું છે. આથી થોડા સમય પૂરતું શહેરીજનોએ પાણીના વપરાશ પર કાપ મૂકવાનો રહેશે.
કોર્પોરેશન કરશે વ્યવસ્થા
કાળઝાળ ગરમીમાં લોકોને પાણીનો શોષ વધુ પડતો હોય છે અને એટલે જ જ્યુસ તેમજ ઠંડા પીણાંની માગ રહેતી હોય છે. ગરમીની સિઝનમાં લોકો ખોરાક ઓછા પાણીનું વધુ સેવન કરે છે. હાલમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 34 ડિગ્રીનો આસપાસ જોવા મળી રહ્યો છે. ત્યારે એપ્રિલ મહિનામાં તો તાપમાન 40 અથવા વધુ જોવા મળતા આગ ઝરતી ગરમીમાં લોકોને સૌથી વધુ પાણીની જરૂર પડશે. પરંતુ નર્મદા કેનાલમાં રીપેરીંગનું કામ હાથ ધરાતા રાજકોટવાસીઓએ ભરઉનાળે પાણીની તંગીનો સામનો કરવો પડશે. કોર્પોરેશન દ્વારા પાણીની જરૂરિયાતને લઈને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા આયોજન હાથ ધરાયું છે.









