- આ વખતે રેકોર્ડ બ્રેક પાર્ટનર કન્ટ્રી તરીકે 20 દેશોનું કન્ફર્મેશન
- 2019માં અત્યાર સુધી સૌથી વધુ 14 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યાં
- પાર્ટનર કન્ટ્રીનો કુલ આંકડો 30 ઉપર પહોંચાડવાનો ટારગેટ
ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-2024ની 10થી 12 દરમિયાન યોજનારી દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે યુએસ તથા કેનેડાની સામેલગીરી હજુ સુધી નક્કી થઈ ન હોવાથી હવે આ બન્ને મહત્ત્વના દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય તેવી શક્યતા ધૂંધળી બની ગઈ છે. યુએસએ 2015 અને 2017ની સમિટમાં તથા કેનેડા આ બે ઉપરાંત 2019ની સમિટમાં પાર્ટનર કન્ટ્રી હતા.
નવ વાઈબ્રન્ટ સમિટ પૈકી 2019માં અત્યાર સુધી સૌથી વધુ 14 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યાં હતા. જેનો રેકોર્ડ દસમી વાઈબ્રન્ટમાં તૂટી રહ્યો છે. આ વખતે 20 દેશોના પાર્ટનર કન્ટ્રી તરીકેના લેખિત કન્ફર્મેશન આવી ચૂક્યાં છે, બીજા ચાર દેશોએ મૌખિક સંમતિ આપી છે, તદઉપરાંત, પાર્ટનર કન્ટ્રીનો કુલ આંકડો 30 ઉપર પહોંચાડવાનો ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે ટારગેટ નક્કી કર્યો છે. રસપ્રદ બાબત એ છે કે, આ વખતે બાંગ્લાદેશ, નેપાળ, ઈજિપ્ત, ઈસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, મલેશિયા, મોઝામ્બિક જેવા દેશો પહેલીવાર પાર્ટનર કન્ટ્રી બન્યા છે.










