• આખરે ઈડરને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળવાના સંજોગ ઉજળા બન્યા

  • બારેલા તળાવ પાસે લાલોડા ગામ થઈને બહાર નીકળવા રેલવે ઓવરબ્રિજ પણ બનશે
  • ઈડરમાંથી પસાર થતી રેલવે લાઈન પર ઓવરબ્રિજ બનશે

હિંમતનગર-અંબાજી વાયા ઈડર થઈને જતાં વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ માટે બસસ્ટેન્ડથી લઈ રાણી તળાવ સુધી પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિક પ્રજા અને વિવિધ સંગઠનોની રજૂઆત બાદ સરકાર દ્વારા ઈડરની ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટેનું આયોજન કરી દેવાયું છે. જે મુજબ વડનગરથી શામળાજી જતાં સુચિત હાઈવે ઈડરના સાપાવાડા પાસેથી નીકળનાર છે ત્યારે આ રોડ પરથી એક રસ્તો ઈડર રેલવે સ્ટેશન, બારેલા તળાવ થઈને મોહનપુર ફાટક સુધી બનાવવાનું નક્કી કરાયું છે. જ્યાં ઈડરમાંથી પસાર થતી રેલવે લાઈન પર ઓવરબ્રિજ બનશે. જેને લઈને બાયપાસ જતાં વાહનચાલકોને ઈડરના ટ્રાફીકમાંથી છુટકારો મળશે.

આ અંગે, સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ અને ઈડર તાલુકાના નેત્રામલી ગામના રહીશ અને તાલુકાની ભૂગોળથી વાકેફ જે.ડી પટેલે શનિવારે હિંમતનગરમાં યોજાયેલ કમલમ્ના ખાતમુહર્ત પછી યોજાયેલી એક બેઠકમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરને પ્રવાસન ધામ બનાવવાનું આયોજન કરાયું છે. ત્યારે થોડાક મહિના અગાઉ કેન્દ્રની હાઈવે ઓથોરેટી દ્વારા વડનગરથી શામળાજી જતાં નેશનલ હાઈવે 48 બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. ત્યારે આ હાઈવેથી નજીક ગીચતાવાળુ ઈડર શહેર આવેલુ છે જ્યાં બસસ્ટેન્ડથી તિરંગા સર્કલ થઈ મોહનપુર ત્રણ રસ્તા સુધીનો રસ્તો ખૂબ જ ગીચતાવાળો છે. એટલુ જ નહી પણ બજાર વિસ્તારમાં રોડની બંને બાજુ આવેલી દુકાનોની આગળ લારીઓવાળાઓનો સતત અડીંગો હોવાને કારણે ટ્રાફીક જામ થઈ જાય છે. તો બીજી તરફ આ વિસ્તારની પ્રજાની લાગણી અને માંગણી અંગે રાજકારણીઓ દ્વારા સરકાર સુધી અનેક વખત રજૂઆતો કરાઈ હતી. તેના ફળસ્વરૂપે વડનગરથી શામળાજી જતા સુચિત હાઈવેને સાપાવાડાની સીમમાંથી કાઢવાનું નક્કી કરાયું છે. જ્યાંથી લાલોડા બારેલા તળાવ અને મોહનપુર ત્રણ રસ્તા સુધી બાયપાસ બનશે. જેને લઈને આગામી સમયમાં સ્થાનિકો અને વાહનચાલકોને ટ્રાફીકમાંથી છુટકારો મળે તેવી શક્યતા ઉજ્જવળ બની છે.

સંપાદનની જમીન માટેના નિયમોમાં બાંધછોડ

વડનગર- શામળાજી સુધીના સુચિત હાઈવે માટે તંત્રે જમીન સંપાદનની કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે જે ખેડૂતોની જમીન અને બોરકૂવા કપાતમાં જતા હતા પરંતુ જમીન સંપાદન કરનાર અધિકારીઓએ કેટલાક નિયમોમાં બાંધછોડ કરીને સુચિત હાઈવેના નકશમાં બે વખત ફેરફાર કરાયા છે. અને જમીનની જરૂરીયાત કરતા 60 ટકા જમીન સંપાદન કરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે.

ટ્રાફિકમાંથી કોને- કોને છુટકારો મળી શકશે ?

ઈડરના ગીચ ટ્રાફીકની સમસ્યામાંથી વાહનચાલકો અને આમપ્રજા માટે સરકારે બાયપાસ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે ત્યારે બાયપાસ તૈયાર થયા બાદ ઈડરની સ્થાનિક પ્રજા, વેપારીઓ અને સરકારી, અર્ધસરકારી સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા બાળકો અને કર્મચારીઓને તેમજ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, ખેડબ્રહ્મા તરફ જતાં આવતાં અમદાવાદ, બરોડા, સુરત, મુબંઈની પ્રજાને ખૂબ જ ફાયદો થશે.


  • Follow us on: