- ભાજપને જાણ થઈ જતા દોડધામ, નાણાની કોથળી ખુલ્લી મુકાઈ
- ભાજપના 4, કોંગ્રેસીના 7 અને 2 અપક્ષ દ્વારા ખેલ નખાયો
- ભાજપના નેતાઓને તા.14ના સીધા જ ચૂંટણી સ્થળે લઈને અવાશે
ભાજપની બહુમતી ધરાવતી રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણી આડે ગણતરીના 2 દિવસ બાકી છે ત્યારે ભાજપના 4, કોંગ્રેસના 7 અને 2 અપક્ષ સદસ્યો દ્વારા બળવાનો ખેલ નખાયો હતો પણ ભાજપના નેતાઓને તેની જાણ થઈ જતા તમામ સદસ્યોને સલામત સ્થળે ખસેડી લેવાયાની વિગતો પ્રાપ્ત થાય છે. આ સદસ્યો હવે તા.14ના સીધા જ ચૂંટણી સ્થળે લઈને અવાશે.
ભાજપની સત્તા ધરાવતી રાજકોટ તાલુકા પંચાયતમાં 13 ભાજપ, 7 કોંગ્રેસ અને 2 અપક્ષ સદસ્યો છે. 14 સભ્યો એકઠાં થઈ જાય તો બળવો થઈ શકે તેમ હોવાથી ભાજપથી નારાજ એવા કોળી સમુદાયના કેટલાક સભ્યો દ્વારા બળવાની હિલચાલ કરવામાં આવી હતી. બળવાખોર જૂથ દ્વારા ભાજપના 4 સભ્યોને પ્રમુખ અને ઉપ પ્રમુખના હોદ્દાની લાલચ તેમજ કેટલીક રોકડ રકમ આપી ફોડી લેવાયા હતા અને તેમને અંકે કરીને ગઈ રાતે સલામત સ્થળે લઈ જવાના હતા પણ તે પહેલા જ ભાજપના એક યુવા નેતાને જાણ થતા તેમણે મોવડી મંડળના કેટલાક લોકોને જાણ કરીને તાકિદથી ભંડોળની વ્યવસ્થા કરી ભાજપના તમામ સદસ્યો તેમજ 2 અપક્ષ સભ્યોને ખાસ બસમાં બેસાડીને રાજકોટથી દુર સલામત સ્થળે એક રિસોર્ટમાં ખસેડી લીધા હતા. ભાજપના 4 સભ્યોને મનામણા કરવા માટે નાણાની કોથળી પણ ખુલ્લી મૂકવી પડી હોવાની વિગતો સાંપડે છે. ભાજપ સૂત્રોએ કહયું હતું કે, અમારી પાસે બહુમતિ ઉપરાંત બીજા સદસ્યો પણ સાથે છે એટલે બળવાની વાતમાં હવે કોઈ દમ નથી રહ્યો. એકી સાથે અમે તમામ સદસ્યો સાથે તા.14ના રાજકોટ તાલુકા પંચાયતે આવીને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈશું.










