- મ્યુનિ. કમિ. રિવ્યૂ મિટિંગમાં કાયમ ઉધડો લે છે પણ અધિકારી ગાંઠતા નથી
- કામ શરૂ થયા પછી રોડ નીચે સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી બાકી હોવાનું ધ્યાને આવ્યું
- વર્ષ 2020માં રોડના કામનું ખાતમુર્હત કરાયું હતું અને માર્ચ 2021માં રોડનું કામ શરૂ
સોલા સાયન્સ સિટીમાં 25 કરોડના ખર્ચે બની રહેલો રોડ ચાર વર્ષે પણ પૂરો ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડનું કામ 2020માં શરૂ થયા પછી મ્યુનિ.કોર્પોરેશનના પ્રોજેક્ટ ખાતાને રોડની નીચે સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી બાકી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મ્યુનિ.કમિશનર પણ પ્રત્યેક રિવ્યુ બેઠકમાં રોડ મુદ્દે ખખડાવે છે, છતાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. વિપક્ષે કહ્યું કે, રોડ પ્રોજેક્ટના વિલંબમાં કસૂરવાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ડિઝાઇન કન્સલન્ટ પર કાર્યવાહી થાય.
સોલા ક્રોસ રોડથી ભાડજ સર્કલને જોડતાં ચાર કિમી લંબાઇનો સોલા સાયન્સ સિટી રોડ પ્રોજેક્ટ બનાવવાની મંજૂરી ડિસેમ્બર 2019માં મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ આપી હતી. વર્ષ 2020માં રોડના કામનું ખાતમુર્હત કરાયું હતું અને માર્ચ 2021માં રોડનું કામ શરૂ કરાયું હતું. સાયન્સ સિટી રોડના શુકન મોલથી જલારામ ચાર રસ્તા સુધીના સેમ્પલ રોડની કામગીરી કરાઇ હતી. કામગીરી શરૂ કર્યા બાદ મ્યુનિ.કોર્પોરેશનના પ્રોજેક્ટ ખાતાને રોડની નીચે સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી બાકી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી શુકન મોલથી સોલા હોસ્પિટલ સુધી અને સપ્તક બંગ્લોઝથી સત્યમેવ એમિયન્સ સુધી જમણી-ડાબી બાજુએ સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી. દરમિયાન ચોમાસામાં રોડનું કામ બંધ થયું હતું. ત્યાર બાદ ડિઝાઇનમાં ફેરફાર કરવા માટે ટ્રાફિક પોલીસે વાંધો ઉઠાવાયો હતો. આ પછી હેતાર્થ સર્કલથી સાયન્સ સિટી તરફ જતાં રોડમાં હાઇટેન્શન વિજ લાઇન અન્ડરગ્રાઉન્ડ કરવા સહિત ખર્ચ કોણ કરશે? તેને લઇને વિવાદ થયો હતો.UGVCL દ્વારા 6 કરોડના ખર્ચે વિજ લાઇન અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી સપ્ટેમ્બર 2023 સુધી ચાલી જેના કારણે કામ બંધ રહ્યું હતું. જેના પગલે ફરીથી ડિઝાઇનમાં ફેરફાર કરાયો હતો. ગત 7 માર્ચના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ પ્રોજેક્ટની મુદ્દતમાં 10 મહિનાનો વધારો કરી આપ્યો છે.એટલે હજી રોડનું કામ વર્ષ સુધી પૂર્ણ નહીં થવાની શક્યતા છે.










